ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદનું પોલીસ તંત્ર અને મ્યુનિ. તંત્ર એલર્ટ થઇ ગયું છે. એવામાં તાજેતરમાં જ આવતા તહેવાર હોળી-ધૂળેટીની ઉજવણી પર સખ્ત નિયંત્રણો લગાવી દેવામાં આવ્યાં છે. તો તાજેતરમાં સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી જો આ વખતે ધૂળેટીના દિવસે કોઇ પણ વ્યક્તિ જો જાહેરમાં રંગ છાટશે અથવા તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો જેલ ભેગાં થવાનો વારો આવશે.સુરત પોલીસે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે, ‘આ વખતે મર્યાદિત સંખ્યા સાથે જ શહેરમાં હોળી પ્રગટાવી શકાશે. લોકો હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ કરી શકશે. હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત પણ ના થવાની સૂચના આપી છે.
કોરોનાની ચુસ્ત ગાઈડ લાઇનનું પાલન કરવા માટેની પણ આયોજકોને તાકીદ કરવામાં આવી છે.ધૂળેટીના દિવસે શહેરમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે આવતા જતા રાહદારીઓ પર રંગ અથવા પાણી નાખવા પર પ્રતિબંધ મૂકાયો છે.આ સિવાય તેઓએ જાહેરનામામાં જણાવ્યું કે, હોળી ધૂળેટીના પૈસા લોકો પાસેથી ઉઘરાવી શકાશે નહીં. જાહેર રસ્તા ઉપર આવતા જતા વાહન ચાલકોને રોકી રંગ ઉડાડવા અથવા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વર્ષે કોરોનાને કારણે પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ આપવા માટેની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ ઉપર કે કોઈ પણ સ્થળે રંગ સાથે કે ટોળાં સાથે ધૂળેટી રમતાં લોકો મળી આવશે તો જાહેરનામાંના ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.