સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતી ૧૯ વર્ષીય યુવતીએ દોઢ વર્ષ જુના પ્રેમસંબંધનો અંત પ્રેમીના ઝઘડાળુ સ્વભાવને લીધે લાવ્યા બાદ પ્રેમીએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમીએ ગતસાંજે યુવતીના ઘરે જઈ ધમાલ મચાવતા વરાછા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા ખાડી મહોલ્લામાં રહેતી ૧૯ વર્ષીય સ્વીટી (નામ બદલ્યું છે) પુણાગામ ખાતે મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરે છે. દોઢ વર્ષ અગાઉ તે નજીકમાં રહેતા રવિ ઉર્ફે ખમણ રાજુભાઇ પટેલ (રહે. ખાડી મહોલ્લો, વરાછા, સુરત ) ના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
જો કે, રવિના ઝઘડાળુ સ્વભાવને લીધે સ્વીટીએ સાત માસ અગાઉ બ્રેકઅપ કરીને રવિનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો.દોઢ માસ અગાઉ સ્વીટી મોપેડ પર નોકરીએ જતી હતી ત્યારે રવિએ તેને પુણા સીતાનગર ચોકડી પાસે રોકી હતી અને તેનો હાથ પકડી ધમકી આપી હતી કે, ‘તું મારી સાથે બોલ નહીં તો હું તને કોઈની સાથે બોલવા નહીં દઉં.’ ગત સવારે સ્વીટી ઘરે હાજર હતી ત્યારે રાહુલના મિત્રના મોબાઈલ ફોન પરથી રવિનો ફોન આવતા તે અંગે તેણે રાહુલના મિત્રને ઠપકો આપ્યો હતો. સાંજે છ વાગ્યે રવિ સ્વીટીના ઘરે આવ્યો હતી અને આ બાબતે ઝઘડો કરી સ્વીટીનો હાથ પકડીને તેના પિતાને ગંદી ગાળો આપી હતી. સ્વીટીના પિતાએ અને ભાઈએ રોકતા રવિએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. લોકો એકત્ર થતા રવિ ભાગી ગયો હતો. બાદમાં સ્વીટીના ભાઈને ફોન કરી રવિએ ધમકી આપતા આખરે સ્વીટીએ રવિ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે રવિની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.