સુરતના ખટોદરા વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ લોકોની પીસીબી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી બે ટેમ્પો, દારૂ સહિત રૂ.9.03 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દારૂ મંગાવનાર અને મોકલનાર બે લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.
ટેમ્પોમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી
ખટોદરા બ્લડ ડોનેશન સેન્ટર પાછળ રણછોડ નગર ઈન્ડસ્ટ્રીયલ પાસે ખુલ્લી જગ્યામાં દારૂની હેરાફેરી કરતા બે ટેમ્પો પાર્ક કર્યા હોવાની બાતમી મળતા પીસીબી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં હતા. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી ચંદ્રકાંતભાઈ બાબુભાઈ ખીમ્મર, મુસ્તાક ઉર્ફે મુસ્તાકી મુઝમ્મીલ અહેમદ અને રૂબેલ અબ્બાસ અલીની ધરપકડ કરી હતી.
પ્લાસ્ટિકની થેલીઓમાં સંતાડીને દારૂ લાવવામાં આવતો હતો
પોલીસે સ્થળ પરથી રૂ.3.98 લાખની કિંમતનો વિદેશી દારૂ, બે ટેમ્પો, ત્રણ મોબાઇલ અને 41 ગુણી પ્લાસ્ટિકના દાણા વગેરે મળી કુલ રૂ.9.03 લાખનો મુદામાલ કબજે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરી માટે સતત નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બેને વોન્ટેડ જાહેર કર્યા હતા
આ બનાવમાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર કૃણાલ દિલીપ ચોવટે અને દમણથી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ પોલીસથી બચવા પ્લાસ્ટિકના દાણાની થેલીઓની આડમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.