સુરત DCB પોલીસે ચાર વર્ષથી ભાગતા-ફરતા એક આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં પકડી પાડ્યો છે. કિશોરીને ભગાડી જવાના વર્ષ 2015માં અપ્પુ સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. DCB પોલીસે મળેલી બાતમીના આધારે આસામના ડિબુગઢ રેલવે સ્ટેશનથી આરોપીને પકડી સુરત લઈ આવી છે. આરોપીએ જણાવ્યું હતું કે, પોલીસને ચિટીંગ કર કે પકડ લિયા સાહેબ, કપિલ શર્મા કે શો મેં આપ કા નામ ખુલા હે કહી રેલવે સ્ટેશન બુલાયા ઓર પકડ કે સુરત લે આયી હે, મુજ પર નાબાલિક લડકી કો ભગા લે જાને કા આરોપ લગા હે. સુરત સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે લવાયેલા આરોપીએ પોતાના નિવેદનમાં પણ પોલીસ ફિલ્મી ડાયલોગ સંભળાવી પકડી લાવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસની એક ટીમ આસામ ગઈ હતી
ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, DCB પોલીસના હાથે ઝડપાયેલો બહારુલ ઇસ્લામ ઉર્ફે અપ્પુ તમીજુદીન લશ્કર (ઉ.વ.28, રહે. આસામ MHC લેન પૂર્વીકંડી1426 સિલચેર, ડિસ્ટ્રીક કચ્છર) સામે 20/3/2015ના રોજ કિશોરીને ભગાડી જવાની ફરિયાદ નોંધાય હતી. અપ્પુ નામથી ઓળખાતો બહારૂલ અલથાણ વિસ્તારમાં રહેતો હતો અને કેટરિંગમાં મજુરી કામ કરતો હતો. દરમિયાન એક 17 વર્ષની કિશોરીને પોતાના પ્રેમની માયાજાળમાં ફસાવી ભગાવી ગયો હતો. ત્યારબાદ પરિવાર અને પોલીસે ઘણી શોધખોળ કર્યા બાદ પણ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આખરે DCB પોલીસના હેડ કોન્સ્ટેબલ ફરીદ ખાન નસીબ ખાનને મળેલી બાતમીના આધારે DCB પોલીસની એક ટીમ આસામ ગઈ હતી. જ્યાં આરોપીને ડિબુગઢ રેલવે સ્ટેશને બોલાવી પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા માટે આપ કા કપિલ શર્મા કે શો મેં નંબર લગા હે આપ કો લેને આયે હે કહી બોલાવ્યો હતો. અને પકડી સુરત લઈ આવ્યા હતા.
કિશોરી હાલ એક બાળકીની માતા છે
વધુમાં ઉમેર્યું હતું કે, હાલ ભગાડી જનાર આદિવાસી કિશોરી એક દોઢ વર્ષની બાળકીની માતા છે જેનું નામ સૂફીયાના હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આદિવાસી કિશોરી અને તેની દીકરી હજી આસામમાં જ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 2015માં આદિવાસી કિશોરી ભાગતા પહેલા 7-8 મહિનાથી જ અપ્પુ ને ઓળખતી હોવાનું જાણવા મળ્યું છે. જેતે સમયે એટલે કે દીકરીને ભગાડી જનાર અપ્પુ સામે પોલીસે 363 અને 366ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. મેડિકલ તપાસ બાદ 376 દાખલ થઈ શકે કે કેમ એ તપાસ અધિકારી કહી શકે છે. જોકે, 17 વર્ષની ઉંમરે ભગાડી ગયેલા અપ્પુએ કિશોરીને માતા બનાવી દેતા બાળકીના પિતાને લઈ પોલીસે DNA ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરી છે. હાલ તપાસ ચાલે છે.