ટ્યૂશન કલાસિસમાં અભ્યાસ માટે જતી વિદ્યાર્થીઓની એકલતાનો લાભ લઈને છેડતી સહિતના અન્ય ગંભીર ગુનાઓ સતત શહેરમાં વધી રહ્યાં છે. જેથી જાહેરહિતમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સુરત શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ચાલતા શૈક્ષણિક ટયૂશન કલાસીસ ઉપર ચોક્કસ પ્રકારના નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા પ્રમાણે સવારે 7 વાગ્યા પહેલાં અને સાંજના 9 વાગ્યા પછી ટયુશન કલાસ ચાલુ રાખવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કલાસીસના સંચાલકોએ ટયુશન કલાસની અંદરના તથા બહારના ભાગે રોડ સુધી કવર થાય તે રીતે સારી ગુણવત્તાવાળા અને વધુ રેન્જના સીસીટીવી લેન્સ 1.3 મેગા પિક્સલ કેમેરા ગોઠવવા જણાવાયું છે. તેમજ આ કેમેરાનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી રાખવું પડશે. સીસીટીવી 24 કલાક ચાલુ રાખવાના રહેશે અને તે જોવાની જવાબદારી કલાસીસના સંચાલકો, માલિકોની રહેશે.
આ જાહેરનામુ પ્રસિધ્ધ થયાના સાત દિવસમાં આ વ્યવસ્થા ઊભી કરી દેવાની રહેશે, નવા શરૂ થતાં કલાસના સંચાલકોએ આ વ્યવસ્થા ઊભી કર્યા બાદ જ કલાસ શરૂ કરવાના રહેશે. આ જાહેરનામાનો અમલ તા. 19મી માર્ચ સુધી રહેશે.