સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓમાંથી કેટલાક અધિકારીઓ જમીનના મામલે બન્ને પાર્ટીને પોતાના ઘરે બોલાવી મિટિંગ કરતા હોવાની વાત પોલીસ કમિશનર સુધી પહોંચતા પોલીસ કમિશનર ખફા થઈ ગયા હતા અને શહેર પોલીસના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો આદેશ લેખિતમાં જાહેર કર્યો છે. જેમાં કોઇ પણ અધિકારીએ જમીનના મામલે ઘરે કે ઓફિસમાં બન્ને પાર્ટીને બોલાવીને મિટિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
બનતી ઘટના પ્રમાણે એક વ્યક્તિએ જમીનના મામલે ફરિયાદ નોંધાવી. આ વ્યક્તિને એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ પોતાના ઘરે બોલાવી સામેની વ્યક્તિને પણ હાજર રાખી. આ વરિષ્ઠ અધિકારીએ ફરિયાદને ખખડાવી નાખ્યો અને સામેની પાર્ટી મારી છે. એમ કહી હવે પછી કોઈ કાર્યવાહી ન કરવા દબાણ કર્યું. પણ, બન્યું એવું કે એ ફરિયાદી વ્યક્તિએ બીજા દિવસે પોલીસ કમિશનરને મળવાનો નિર્ણય કર્યો. પોલીસ કમિશનરને મળી તેમણે પોતાની સાથે વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ જે વર્તન કર્યું તેની વિગતે વાત કરી. આ વ્યક્તિની વાત સાંભળી ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ગયા. આખરે પોલીસ કમિશનરે લેખિતમાં આદેશ જારી કરવાનો વખત આવ્યો હતો.
પોલીસ કમિશનરે લેખિતમાં જે આદેશો આપ્યા તેમાં કોઇ પણ અધિકારીએ જમીનના મુદ્દે ઘરે કે ઓફિસે મિટિંગ કરવી નહીં. જમીનના મામલે બન્ને પાર્ટી વચ્ચે મિટિંગ કરી સમાધઆન કરાવવાનું કામ પોલીસનું નથી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. કોઇપણ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે. કોઇ એક પાર્ટીનો પક્ષ લઇ બીજી પાર્ટીને ખખડાવવાનું કામ પોલીસે કરવાનું નથી. કોઇપણ પોલીસ ઇન્સ્પેક્ટરે ઉપરી અધિકારીના દબાણમાં આવી કામગીરી કરવી નહીં. આમ છતાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર જો આવી કામગીરી કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.