પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા વિરુદ્વ ખરેખર કેટલા ગુનો પોલીસે નોંધ્યા છે તે અંગે સુરત પોલીસનાં ડીસીબી રાહુલ પટેલે પત્રકારોને માહિતી આપી હતી અને અલ્પેશ કથીરીયા અને તેના સમર્થકો દ્વારા થયેલા દેખાવ અને પોલીસ સ્ટેશનની ધેરાબંધી અંગેનાં ગુના નોંધવામાં આવ્યા છે.
ગઈકાલે અલ્પેશ કથીરીયાની પોલીસ લોકઅપની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં કથીરીયા પોલીસ અધિકારીઓને ગાળો આપી રહ્યા છે. ખાસ કરીને આ વીડિયો ક્લિપમાં એસીપી પરમાર અને ડીસીપી રાહુલ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વીડિયો ક્લિપમાં અલ્પેશ કથીરીયા પોતાનું એનકાઉન્ટર કરવામાં આવશે તેવા આક્ષેપ કરતો હોવાનું જણાય છે અને ગાળો બોલતો રહે છે.
પોલીસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ આમને-સામને આવ્યા બાદ સુરતના પોલીસ કમિશનર સતીશ શર્મા લાલચોળ થયા અને તેમણે અલ્પેશ કથીરીયાને રાજદ્રોહ કેસમાં મળેલા જામીન રદ્ કરવા કોર્ટમાં અપીલ કરવાનું જણાવ્યા બાદ આજે ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે અલ્પેશ કથીરીયાએ કોર્ટનો અનાદર કર્યો છે. શહેરની સુલેહ-શાંતિને ભંગ ન કરાય તેવી રીતે જામીન આપ્યા હતા પરંતુ છેલ્લા બે દિવસથી અલ્પેશ દ્વારા પોલીસ સાથે ધર્ષણ કરવામાં આવી રહ્યું હતું. પાટીદાર વિસ્તારોમાં પોલીસ વિરુદ્વ ઉશ્કેરણી કરવાનું ષડયંત્રકારી કૃત્ય અલ્પેશ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે ગઈકાલે ટ્રાફીક પોલીસ રાબેતા મુજબ યોગ્ય રીતે પાર્કીંગ નહીં કરાયેલી ગાડીઓને દંડ કરી રહી હતી ત્યારે અલ્પેશે પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી અને ધાક-ધમકી આપી હતી. આ અંગે અલ્પેશ સામે રાયોટીંગ, પોલીસની કામગીરીમાં રૂકાવટ અને ધાકધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનનો ધેરાવ કરાયો હતો. પોલીસ સ્ટેશનને નુકશાન કરવામાં આવ્યું હતું. તો આ અંગે પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે
તેમણે જણાવ્યું કે જ્યારે કથીરીયાને લોકઅપમાં રાખવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓ વિરુદ્વ એલફેલ ભાષા વાપરી અને ગાળો બોલી હતી. મીડીયાની સમક્ષ પણ ગાળો બોલી હતી. આ અંગે પણ કથીરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે જ્યારે કથીરીયાને કોર્ટમાં લઈ જવામાં આવ્યો ત્યારે સમર્થકો દ્વારા કોર્ટ સંકુલમાં ધેરાવ કરવામાં આવ્યો અને કથીરીયાને લઈ આવેલા પોલીસ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું, તમામની સાથે ધક્કામૂક્કી કરવામાં આવી, તો તે અંગે પણ સુલેહ-શાંતિના ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે સરથાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ સૂચના આપ્યા વગર પીઆઈની ચેમ્બરમાં પહોંચી જઈ ગેરવર્તન કર્યું અને પોતે વકીલ હોવા છતાં કાયદો હાથમાં લીધો તો તે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાહુલ પટેલે વધુમાં માહિતી આપી કે પાટીદાર સમાજને પોલીસ વિરુદ્વ ઉશ્કેરણી કરતી પોસ્ટ મૂકનાર યુવાન સામે સુરત ડીસીબીએ 153 મુજબ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરીયાના જામીન રદ્ કરવા માટે વિચારણા કરી રહી છે. કોર્ટમાં જામીન રદ્ કરવા અપીલ કરવામાં આવશે. અલ્પેશ કથીરીયા સામે માત્ર બે દિવસમાં પાંચ ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે. કથીરીયાની સાથે પાસના કાર્યકરો સામે પણ ગુના નોંધાયા છે. ટ્રાફીક પોલીસ સાથેની બબાલ અને પોલીસ સ્ટેશનમાં ગાળાગાળી એં બે કેસમાં કથીરીયાને જામીન મળ્યા છે.