વાયુસેનાએ પીઓકેમા કરેલા એર સ્ટ્રાઈક બાદ બંને દેશમાં તણાવભરી સ્થિતિ નજરે પડી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે સુરત પોલીસે નાગરિકો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે.
પોલીસે જાહેર કરેલી ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓથી દૂર રહેવું અને અફવા ફેલાવવી નહીં. જો કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ કે માણસ કે પછી કોઈ મકાન જણાય તો તેની પણ જાણ પોલીસને કરવી.
સુરત શહેરમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે પડે તો પણ પોલીસને જાણ કરવા માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આમ ભારતીય વાયુ સેનાના એરસ્ટ્રાઇક બાદ સુરત પોલીસ પણ અલર્ટ બની છે. ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક બાદ ભારતમાં ગઇકાલે થોડા સમય માટે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.
એર સ્ટ્રાઇક બાદ બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાનના વિમાનો ભારતની સરહદમાં ઘૂસ્યા હતા અને તેમાંથી એક વિમાનને તોડી પડાયું હતું. આમ એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે.