ઉતરાણની આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પતંગની દોરીથી ગળું કપાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. વરાછામાં દુધવાળાનું ગળું ફ્લાય ઓવર બ્રિજના એપ્રોચ પરથી બાઈક ચલાવતી વખતે કપાઈ ગયું હતું. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં ગળું કપાઈ જવાના કારણે યુવાનનું મોત પણ નિપજ્યુ છે. આ ઘટનાઓના કારણે સુરત પોલીસ હરકતમાં આવી છે અને સુરતના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કરી લોકોની સલામતી માટે અગમચેતીના પગલા ભર્યા છે.
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 14 અને 15 જાન્યુઆરીના દિવસે સુરતના તમામ ઓવરબ્રિજ ઉપર ટુ વ્હીલ આવવા- જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વાહનચાલકોને ઓવરબ્રિજની નીચેથી અવર જવર કરવા પોલીસે જણાવ્યું છે. લોકોની સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એવું પોલીસ યાદીમાં જણાવાયું છે.