વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા જીવન ભારતી મંડળના સહકારથી યોજાતી પબ્લિક કોન્ટેસ્ટ- વક્તૃત્વ સ્પર્ધા તેના છવ્વીસમાં વર્ષે કોરોના ગ્રસ્ત થાય તેવો ભય પાછો ઠેલીને તેનું ઓન-લાઈન આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે આ સ્પર્ધાનો વ્યાપ વિસ્તર્યો અને ગુજરાત-ભારત-વિદેશના હરીફોએ પણ આ સ્પર્ધામાં ભાગ લઈને તેને ગ્લોબલ બનાવી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા અન્યો એવા ચાર ભાગોમાં છેલ્લા ૨૬ વર્ષોથી યોજાતી આ સ્પર્ધામાં અત્યંત રોચક વિષયો પર બોલવાનું હરીફોને આમંત્રણ અપાય છે.
આ વર્ષનાં વિષયો નીચે મુજબ
ગ્રુપ એ: પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ (ધો. ૫ થી ૮) – પહેલું સુખ તે જાતે નર્યા, લોકડાઉનમાં મેં શું કર્યું?, હવે તો સ્કૂલ ખુલે તો / ખુલી ગઈ તે સારું થયું, કોરોના વોરિયર્સને સલામ! અને કોરોનાએ શીખવ્યું કે..
ગ્રુપ બી: માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ (ધો. ૯થી ૧૨) – કોરોનાનો ભારતે કરેલો અદભુત સામનો, લોકડાઉન લાવ્યું સ્વચ્છ પર્યાવરણ, જ્યારે જગત એક અદૃશ્ય દુશ્મન સામે એક થયું, દવાઈ ભી કડાઈ ભી, આરોગ્ય સેવાઓ: ખાનગી વિ. સરકારી.
ગ્રુપ સી: કોલેજ વિભાગ – ઓન લાઈન શિક્ષણના લાભાલાભ, દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના ઉંબરે, સુશાંતસિંહની આત્મહત્યાના પદાર્થપાઠ, ઓટીટી પ્લેટફોર્મ્સએ બદલેલું મનોરંજન જગત, દુનિયાનું રસીબજાર અને ભારત.
ગ્રુપ ડી: શિક્ષકો અને ખુલ્લો વિભાગ – કિસાન કાનૂનો અને આંદોલન, કોરોના લાવ્યો મંદી, પણ શેરબજારમાં તેજી, આ સમય પણ વીતી જશે, વર્ક ફ્રોમ હોમ ના ફાયદા-ગેરફાયદા, સ્વચ્છંદ સ્વતંત્રતા લોકશાહીનો મૃત્યુ ઘંટ વગાડશે.
સતત બંધ રહેતી સ્કુલ-કોલેજોના આ કોરોના વર્ષે આ સ્પર્ધાઓનું આયોજન મુશ્કેલ બનતા તેનું ‘ઓન લાઈન’ આયોજન કરવાનું નક્કી કરાયું હતું. અનેક શહેરોમાંથી તેનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને લગભગ એક માસ સુધી વિસ્તરેલા ૧૭ કાર્યક્રમોમાં આ સ્પર્ધાનું આયોજન વિભાજીત કરાયું હતું. તેની ચારે વિભાગોની દસ સેમી ફાઈનલ યોજવામાં આવી હતી.એમ વક્તૃત્વ વિભાગ ના કુલ્લે 27 રાઉન્ડ યોજાયા. સાંપ્રત સમયના વિષયોને અનુરૂપ વક્તવ્યો સેંકડો હરીફોએ આપ્યાં હતાં. એ તમામ કાર્યક્રમો પુરા થયાં બાદ તેના રેકોર્ડિંગ પણ સૌને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને કારણે આ સ્પર્ધાના આયોજનમાં ઘણી પારદર્શિતા ઉમેરાઈ હતી. સ્પર્ધાના ભાગ રૂપે જ તેના આયોજકો અને નિર્ણાયકો દ્વારા ‘આવો સુપર સ્પીકર બનીએ’ નામના કાર્યક્રમ દ્વારા સારા વક્તાઓ શ્રેષ્ઠ વક્તાઓ કેવી રીતે બની શકે તેની સમજ આપવામાં આવી હતી. જેને અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. ત્યાર બાદ ’૨૬મી સુપર સ્પીકર સ્પર્ધાઓ’ની ફાઈનલ્સનું આયોજન થયું હતું. દસ સેમી ફાઈનલ્સના તમામ વિજેતાઓ ફાઈનલમાં દાખલ કરાયાં હતાં. પોતપોતાના ગ્રુપ્સની એક સપ્તાહ સુધી યોજાયેલી ફાઈનલમાં હરીફોએ આપવામાં આવેલાં વિષયો પરના તૈયાર વક્તવ્યો ઉપરાંત અનેક રોચક વિષયો પરના શિઘ્ર વક્તવ્યો આપીને પોતાને ‘સુપર સ્પીકર’ સાબિત કરવાના હતાં. વિષય વસ્તુ પરનો અભ્યાસ, તેની સમયસરની પ્રસ્તુતિ, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં ઉત્તમ ભાષા કર્મ, વક્તવ્યની છટા, જેવાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષનાં સુપર સ્પીકર્સ કાળજીપૂર્વક પસંદ કરાયાં હતાં.
૨૬મી સુપર સ્પીકર સ્પર્ધાના વિજેતા આ મુજબ જાહેર કરાયાં હતાં. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ક્રિશ્ના બી. પટેલ, અગ્રતા બી. અમીપરા અને આદિત્ય એમ. પરમાર વિજેતા બન્યાં હતાં. તો માધ્યમિક શાળાઓના ગ્રુપમાં કહાની જે. શાહ, કુશાંગી કે. દરેકર અને મનન એચ. પરમાર વિજેતા બન્યાં હતાં. કોલેજના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાના વિજેતા જેન્સી પી. મેવાવાલા, નસીબાબાનુ પાસા અને ગોપાલ દવે વિજેતા બન્યાં હતાં. શિક્ષકો અને ખુલ્લા વિભાગના વિજેતા ડૉ. અંકુર દેસાઈ, ભાવિન માંડલિયા, ભૂમિકા જે. ગોહિલ અને જય દીક્ષિત વિજેતા બન્યાં હતાં. સમગ્ર સ્પર્ધામાં એક સુત્રતા જળવાઈ રહે તે માટે નિર્ણાયકોની એક જ ટીમે સમગ્ર સ્પર્ધાનું પરીક્ષણ કર્યું હતું, જેમાં યામિની વ્યાસ, દિલીપ ઘાસવાલા, ભરત ભટ્ટ અને મયંક ત્રિવેદીનો સમાવેશ થયો હતો. આયોજક-સંયોજક રૂપે નરેશ કાપડીઆએ સેવા આપી હતી. આયોજક ટ્રસ્ટ વતી સૌને આવકાર અને ઉત્સાહ પ્રેરણા પ્રાયોજક ભદ્રેશ શાહે આપી હતી.