વર્ષ 2020માં ભાજપના પૂર્વ સાંસદ સભ્ય અને હાલના સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે પીએમ મોદીને પત્ર લખીને સુમુલ ડેરીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ મૂકી તપાસની માગણી કરી હતી. માનસિંહ પટેલે લખેલા પત્રમાં સુમુલ ડેરીમાં કેટલાક વહીવટકર્તાઓ અને અધિકારીઓના મેળા-પીપળામાં એક હજાર કરોડથી વધુનો ગેરવહીવટનો પણ આક્ષેપ કરાયો હતો. જોકે, સુમુલના ચેરમેન બનતા જ માનસિંહ પટેલ દ્વારા આ મામલે ચૂપકીદી સેવી લેવામાં આવી છે. જેને લઇને ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા ભારતના રાષ્ટ્રપતિ, પીએમ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખી માનસિંહ પટેલ તરફથી કરાયેલા આક્ષેપોની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. સુમુલ ડેરીની ચૂંટણી અગાઉ માનસિંહ પટેલ અને રાજુ પાઠક વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપનો મારો થયો હતો. પૂર્વ સંસદ સભ્ય અને વર્તમાન સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ તરફથી સુમુલ ડેરીમાં એક હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ અગાઉ કરાયા હતા. જે અંગે માનસિંહ પટેલે પીએમ નરેન્દ્ર મોદીને લેખિતમાં પત્ર લખી આઠ જેટલા મુખ્ય મુદ્દા અંગે તપાસ કરાવવા માંગ કરી હતી. પત્રને પગલે સુમુલ ડેરીમાં મોટો વિવાદ ઊભો થયો હતો.દરમિયાન સુમુલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન તરીકે પ્રસ્થાપિત થતાં માનસિંહ પટેલે તરફથી જે આક્ષેપો કરાયા હતા તે અંગે તેઓએ ચૂપકીદી સેવી લીધી છે. તેમના દ્વારા જે આક્ષેપો કરાયા હતા તેની તપાસ થવી પણ જરૂરી બને છે. જેના પગલે ખેડૂત આગેવાન દર્શન નાયકે મહામુહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પત્ર લખી માનસિંહ પટેલે કરેલા આક્ષેપોની તપાસ કરાવવા અંગેની માંગ કરી છે. આ સાથે જ સુમુલ ડેરીનો વિવાદ ફરી સામે આવ્યો છે.
