સુરતના પાલ વિસ્તારમાં આવેલી લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલમાં બાળકોને બોલાવવામાં આવી રહ્યા છે. બાળકોને હવે ઓફલાઈન ક્લાસ ગ્રુપમાં બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજે 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જાણે કોઈનો ડર ન હોય તેમ કોરોનાની ગાઇડ લાઇનને નેવે મૂકીને સંચાલકોએ પોતાની મનમાની બતાવી હતી. પાલિકાના અધિકારીએ તાત્કાલિક અસરથી સ્કૂલ બંધ કરાવીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.શાળાઓમાં હજી પણ ઓફલાઈન એજ્યુકેશન આપવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. બાળકોને શાળાઓમાં કે આંગણવાડીઓમાં પણ બોલાવવામાં ન આવે તેવી સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. છતાં લિટલ મિલેનિયમ પ્રિ -સ્કૂલ દ્વારા 9:30થી 11:00 સુધી બાળકોને બોલાવવામાં આવી રહ્યા હતા.સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને આ બાબતની જાણ થતાં રાંદેર વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર અશ્વિન રાવલ લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલમાં પહોંચ્યા હતા. તેમણે જોયું કે દસથી બાર જેટલા ભૂલકાઓ શાળામાં હાજર હતા.
