શહેરમાં લગ્નની કંકોત્રી, બિલ પર મોદી અગેન અને પીએમ મોદીને વોટ આપવાની અપીલ બાદ મોદીની તસવીરો મૂકી એક વેપારી દ્વારા સાડી તૈયાર કરવામાં આવી છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટ પીએમ મોદીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો મોદી સાડીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અત્યાર સુધી પીએમ મોદીના ચાહકો માટે નમો અગેન ટીશર્ટ જોવા મળી રહ્યા હતા. જે ખાસ પુરુષો માટે મળતા હતા, પરંતુ હવે શહેરનાં ટેક્સટાઈલ માર્કેટના એક વેપારી દ્વારા મોદી સાડી બનાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ટેક્સટાઈલ માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને મોદીને વોટ આપવા પણ અપીલ કરવામાં આવી છે. માર્કેટના વેપારીઓએ બિલ પર પણ મોદી અગેન લખાવી મોદીને વોટ આપવાની અપીલ કરી હતી. જ્યારે હવે એક વેપારી દ્વારા મોદી સાડી બનાવી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ચાહક રહી છે. જેથી આ મોદી સાડી મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.