સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરાયાના જામીન રદ કરવા માટે સુરત પોલીસ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વરાછા વિસ્તારમાં ટ્રાફીક પોલીસ સાથેના વિવાદમાં અલ્પેશ કથીરાયા વિરુદ્વ પાંચ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને તેમાંથી બે કેસમાં જામીન પર છૂટકારો થયો છે જ્યારે ત્રણ કેસમાં કાર્યવાહી બાકી રહેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સાથેના વિવાદ અને ત્યાર બાદ લોકઅપમાં કથીરીયા દ્વારા પોલીસ અધિકારીઓને આપવામાં આવેલી ગાળોના અનુસંધાને વીડિયો વાયરલ થયો હતો. સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યું હતું કે રાજદ્રોહના કેસમાં કથીરીયાને શરતી જામીન આપવામાં આવ્યા છે. અને વરાછા વિસ્તાર તથા કોર્ટ સંકુલમાં બનેલી ઘટનાઓના અનુસંધાને પોલીસ દ્વારા રાજદ્રોહ કેસમાં જામીન રદ્ કરવા માટે અરજી દાખલ કરવામાં આવશે. સુરત સીપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે પણ રાજદ્રોહ કેસમાં જામીન રદ્ કરવા માટે અરજી કરવાની વાત દોહરાવી હતી.
તદ્દાનુસાર આજે સુરત પોલીસ સુરતની સેશન્સ કોર્ટમાં અલ્પેશ કથીરીયાની જામીન અરજી રદ્ કરવા માટે અપીલ કરી છે. આ અંગે હવે પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.
પોલીસે કરેલી અરજીમાં કાયદો-વ્યવસ્થા અને શહેરની સુલેહ-શાંતિનો ભંગ કરવામાં આવ્યા હોવાના કારણો આગળ ધર્યા છે. આ ઉપરાંત પોલીસ સાથે ગાળાગાળી અને ટોળા તથા સમાજની ઉશ્કેરણીના પણ કારણ આપ્યા છે.
પોલીસની અરજી અંગે અલ્પેશ કથીરીયાએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી કહ્યું કે લોકશહીમાં કાયદાનો દુરુપયોગ અને બધી જ સિસ્ટમની સાથે પોલીસ તંત્રનો ખોટો ઉપયોગ કરીને સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનનાં રાજદ્રોહના કેસમાં જામીન રદ્ કરવાની ગુજરાત સરકારે કરેલી અરજીની સામે કટિબદ્વ રીતે તથા નિડરતાથી હું તથા સુરતના વકીલોની વિશાળ ટીમ ન્યાયમંદિરમાં કાયદાકીય રીતે આગળ વધીશું અને ન્યાયમંદિરમાં લોકશાહીનું ગળું દબાવનાર સિસ્ટમની સામે પ્રતિકાર કરીશું.