‘વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે મારી પાસે રૂપિયા નહોતા એટલે મારી માતાના દાગીના ગીરવે મુકીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારે જીતવું કે, હારવું એ મને ખબર નહોતી પરંતુ માતાના દાગીના પરત લાવવા એ જ મને યાદ હતું. ખુબ જ સંઘર્ષ કરીને આ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.’ મધ્યપ્રદેશમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ઈન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 52 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવનાર દિપક મોરેએ પોતાનો સંધર્ષ જણાવ્યો હતો.. આ સ્પર્ધા 17થી 20 જાન્યુઆરી સુધી મધ્યપ્રદેશમાં યોજાઈ હતી. સ્પર્ધા પહેલાં અનેક લોકોએ મદદ કરવાનું કહ્યું હતું પરંતુ સ્પર્ધા નજીક આવી એટલે મદદ કરવાનું કહેનાર લોકોએ મદદ ન કરતાં દિપક મોરેએ માતાના દાગીના ગીરવે મુકવા પડ્યા હતાં. સ્પર્ધા જીત્યા બાદ હવે દાગીના પરત લેશે.
સુરતનાં ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયન દિપક મોરેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 3 વખત મિસ્ટર ગુજરાત, 2 વખત મિસ્ટર સુરત અને 2 વખત મિસ્ટર સાઉથ ગુજરાત બન્યો છું. આ બધી સફળતા પહેલાં 7 વર્ષ સુધી એક કંપનીમાં કારકુન તરીકે કામ કરતો હતો, 7 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા. મારા મમ્મી લોકોના ઘે કામ કરી પૈસા કમાતા અને મારો નાનો ભાઇ હેન્ડી કેપ હતો. કારકુનની નોકરી સમયે મને લાગ્યું કે આવી રીતે તો મારૂ ભવિષ્ય કંઇ જ નથી. જ્યારે મેં જીમિંગની વાત કરી ત્યારે મને ઘણા લોકોએ કહ્યું કે, ‘તારા તો ખાવાનાં ફાફા છે અને બોડી બનાવવી છે. પણ એ બધાની વાતોને ધ્યાનમાં ન લઇને હું આગળ વધતો ગયો અને આજે દેશ માટે ગોલ્ડ લાવવામાં મને મારા એ જ નિર્ણયે મદદ કરી અને એ જ પ્રોફેશન મારૂ ગૌરવ છે.