શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા માત્ર બે જ દિવસમાં શહેરમાં કોરોનાના ૨૬૪ કેસ નોંધાતાં તંત્રની ચિંતા વધી છે. ભવિષ્યમાં કેસની(Cases) સંખ્યા વધવાની સંભાવનાને પગલે પાલ અને બમરોલી અર્બન હેલ્થ સેન્ટરને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવવાની કામગીરી સુરત મહાનગર પાલિકાએ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૩૩૭૭ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૨૩૦ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ ૧ હજારથી વધુ એક્ટિવ દર્દીઓ છે. હાલમાં વધી રહેલા કેસને જોતાં આગામી દિવસમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ(Hospital) દર્દીઓથી ઉભરાઇ જાય એવી સ્થિતિ છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગમાં ૫૪૦ બેડની હોસ્પિટલ હાલમાં સ્ટેન્ડબાય છે. પરંતુ કોરોનાની વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં રાખી હવે પાલ અને બમરોલી અર્બન હેલ્થ સેન્ટરને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય લેવાયો છે. પાલમાં ૬૦ તો બમરોલીના અર્બન હેલ્થ સેન્ટરમાં ૮૦ બેડની હોસ્પિટલ કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં જરૂર જણાય તો સરસાણા કન્વેશન સેન્ટરને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરાવવા એક વિકલ્પ તરીકે લેવામાં આવ્યો છે. પરંતુ હજુ તે અંગે નિર્ણય લેવાયો નથી.
શહેર અને જીલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે મનપા અને જીલ્લા આરોગ્ય તંત્ર ભારે ચિંતામાં છે ત્યારે મનપા ખાતે કોરોનાની વર્તમાન સ્થિતિની સમિક્ષા માટે મીટિંગ મળી હતી. જેમાં રાજય સરકારે મુકેલા સ્પેશિયલ આઇએએસ અધિકારી એચ.જે.હૈદરની અધ્યક્ષતામાં મનપા, જિલ્લા પંચાયત અને સરકારના આરોગ્યતંત્રના અધિકારીઓ વચ્ચે મીટિંગ મળી હતી તેમજ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે, હાલમાં જે રીતે સંક્રમણ આગળ વધી રહ્યું છે તે જોતા જુલાઇ માસના અંત સુધીમાં શહેર-જીલ્લામાં મળીને 6000 કેસ હશે. તેથી આ દર્દીઓની સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો હતો.