14મી ડિસેમ્બર એટલે કે બે દિવસ પહેલાં સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્પાર્કલ-2018 એક્ઝિબિશનમાં 6 લાખ રૂપિયાના ડાયયમંડની ચોરી થઈ હતી.ચોરી થતા પોલીસ ચોંકી ગઈ હતી અને ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. બે દિવસના ટૂંકા ગાળામાં સીસીટીવી ફૂટેજ અને પોલીસ સર્વલન્સનાં આધારે ચોરને પોલીસે પકડી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આરઆર સરવૈયાએ માહીતી આપતા જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના સ્પાર્કલ એક્ઝિબિશનમાં બે દિવસ પહેલાં થયેલી 6 લાખના ડાયમંડની ચોરીની તપાસ ખટોદરા પીઆઈ ઉપરાંત ડીસીબીના પીએસઆઈ બીએ ગઢવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હીર ચોરવાના સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સનાં આધારે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના દેવડીયાનાં રહીશ અને પ્રોફેસર પ્રભુનાથ વિરેન્દ્રનાથ મિશ્રાની ધરપકડ કરી છે.
આરઆર સરવૈયાએ માહીતી આપતા જણાવ્યું કે પ્રભુનાથની પોલીસે ધરપકડ કરી છે અને 6 લાખના ડાયમંડ કબ્જે કરવામાં આવ્યા છે. પ્રભૂનાથે સ્પાર્કલમાં ભાગ લેવા માટે પોતાની કંપની અને મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રભૂનાથ મુરાદાબાદની એન્જિનયરીંગ કોલેજમાં લેકચરર છે. ઈન્ટરનેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 13મી તારીખે દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પ્રભૂનાથ તેની બહેનને ત્યાં રોકાયો હતો, ત્યાર બાદ 14મી તારીખ સુરત આવી બમરોલી વિસ્તારમાં પોતાના મિત્રના ઘરે રોકાયો હતો અને સાંજે એક્ઝિબિશનમાં આવી ચોરીને અંજામ આપ્યો હતો.
તેમણે જણાવ્યું કે એક્ઝિબિશનમાં એન્ટ્રી કર્યા બાદ ચોર પ્રભુનાથે તમામ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું અને ક્યાં સિક્યોરીટીને નજર ચૂકવી ચોરી કરી શકાય તે અંગે એક્ઝિબિશનમાં આવ્યા બાદ જાત જાણકારી મેળવી હતી. સ્ટોલ નંબર 212 પર હાજર કર્મચારીઓની નજર ચૂકવીને પ્રભુનાથે 6 લાખ રૂપિયાના ડાયમંડની ચોરી કરી હતી. પ્રભુનાથે આ પહેલાં પણ આવી રીતે ચોરીના કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રભુનાથ માસ્ટર ડિગ્રી ધરાવે છે અને સોફિસ્ટીકેટેડ રીતે ચોરી કરી છે તે જોતાં તેણે અન્ય કોઈ ચોરી કરી છે કે કેમ તે શંકા જન્માવે છે. પ્રભુનાથ પ્રથમ વખત સુરત આવ્યો નથી પણ અગાઉ પણ આવી ગયો હોવા વિશે તપાસ ચાલી રહી છે.