જિલ્લામાં ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ નિરંતર ટ્રાફિકભંગની ઘટનાઓ જોવા મળી રહી છે. જો કે લોકડાઉનને કારણે હાલ ત્રણ મહીનાથી પરિવહન સેવા બંધ હતી. લોકડાઉનમાં રાહત મળ્યા બાદ નેશનલ હાઈ-વે પર ટ્રાફિકના પ્રમાણમાં સખત વધારો થઈ રહ્યો છે, હેવી ટ્રક ચાલકો મનફાવે તેમ નેશનલ હાઈ-વે પર પરિવહન કરી રહ્યા છે. આવા સમયે રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા ન હોવાથી દિવસને દિવસે ગંભીર અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ કનાજ દ્વારા ટ્રાફિક વિભાગની આ બેદરકારી અંગે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમણે નેશનલ હાઈ-વે પર ટ્રાફિકના નિયમોનું સખતાઈથી પાલન થાય તેમજ હાઈ-વે પરના જાહેર શૌચાલયમાં સફાઈ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી.
નેશનલ હાઈ-વે પરના ટ્રાફિક અંગે જગદીશ કનાજે રજૂઆત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈ-વે પર પરિવહન કરનાર ટ્રક ચાલકો પોતાની મનમાની કરી રહ્યાં છે અને પરિવહનના નિયમોનું ખૂલ્લેઆમ ઉલ્લંધન કરી રહ્યા છે. નોંધનીય છે કે નેશનલ હાઈ-વે પર પરિવહન માટે છ ટ્રેક હોય છે. જેમાં બંને સાઈડના પહેલા ટ્રેકને ટ્રાફિકના નિયમો પ્રમાણે ફોર વ્હીલ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ છતા પણ હેવી કેમિકલ અને સામાન લઈને જતા ટ્રક ચાલકો પહેલા ટ્રેક પર આડેધડ ટ્રક ચલાવી રહ્યાં છે, જેના કારણે હાઈ-વે પર લોકોના અકસ્માતની અને મૃત્યુની સંખ્યા વધી રહી છે.
આ ઉપરાંત નેશનલ હાઈ-વે પર ટોલનાકા પર જે જાહેર શૌચાલય ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે તેની હાલત ખૂબ ખરાબ થવા પામી છે. મોટા ભાગના શૌચાલયોની હાલત પાણી ન આવવાથી તેમજ સાફ-સફાઈ ન થવાથી સતત બગડતી જાય છે. તેમણે આ રજૂઆતમાં નેશનલ હાઈ-વે પર ડ્યૂટી પર રહેલી પોલીસ ટ્રાફિકના નિયમનું કડકાઈથી પાલન કરે તેવી તેમજ શૌચાલયમાં સ્વરછતા અંગે કાર્યવાહી કરવા માંગ કરી છે.