સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે રાત્રી દરમિયાન વાતોમાં ભોળવી ગઠિયાએ બે મિત્રોને કેફી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું જેથી બેભાન થઈ ગયેલા બંને મિત્રોને ગઠિયો રોકડા અને મોબાઇલ ફોન લુંટીને ભાગી ગયો હોવાનું આક્ષેપ કર્યા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વલસાડ રોડ પર ફાઉન્ટન હોટલ પાસે રહેતો 18 વર્ષીય પ્રદીપ જગદીશ સરોજ અને તેનો 22 વર્ષીય મિત્ર ઓમપ્રકાશ યાદવની માતા વતન ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં બીમાર હોવાથી ખબર અંતર પૂછવા માટે વતન જવા નીકળ્યા હતા જેથી ગઈકાલે બંને મિત્ર વલસાડથી સુરત રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આરામ કરતા હતા.
દરમિયાન આજે સવાર બંને મિત્ર અર્ધબેભાન હાલતમાં પ્લેટફોર્મ પર પડેલા હતા ત્યારે અન્ય કોઈ વ્યક્તિની નજર પડતા 108ને ફોન કર્યો હતો તેથી તેમની સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે અમે પ્લેટફોર્મ નંબર ચાર પર આરામ કરતા હતા ત્યારે કોઈ ગઠીયો અમારી પાસે આવીને મીઠી મીઠી વાતો કરતો હતો. જોકે અમે તેની મીઠી વાતોમાં ભોળવાઈ જઈને અમે કેફી કોલ્ડ્રિંક્સ પીઈ લીધું હતું ત્યારબાદ અમે અર્ધબેભાન થઈ ગયા હતા અને ભાનમાં આવ્યા ત્યારે ખબર પડી હતી કે પ્રદીપ પાસેથી રોકડ રૂપિયા 20,000 અને મોબાઈલ ફોન જ્યારે ઓમ પ્રકાશ પાસેથી રોકડ રૂપિયા 4000 અને મોબાઈલ ફોન લૂંટીને ભાગી ગયા હોવાનો આક્ષેપ કર્યા હતા.