ઉધના મગદલ્લા રોડ પર સોમા કાનજી ઍસ્ટેટ પાસેથી સાઇકલ સવાર એમ્બ્રોઈડરીના કારીગરની ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ મોબાઈલ અને રોકડા રૂ. બે હજાર લૂંટી લેવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસાના ગંજામ જિલ્લાથી ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ મોજશોખ પૂરા કરવા માટે રાહદારીઓને લૂંટી લેતા હોવાની કબૂલાત કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અલથાણ ખોડિયાર નગરમાં રહેતા સમસુદ્દીન મુનાવરઅલી શેખ એમ્બ્રોઈડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે. સમસુદ્દીન શેખ ગત તા. 6 ફેબ્રુઆરીની રોજ સાઇકલ લઈને
ઉધના મગદલ્લા રોડ સોમા કાનજી એસ્ટેટ પાસેથી પસાર થતો હતો ત્યારે બાઈક પર આવેલા ત્રણ
અજાણ્યાઓએ ચપ્પુના ઘા મારી મોબાઈલ અને રોકડા રૂ. બે હજાર લૂંટી નાસી ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ખટોદરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ
તપાસમાં જોડાઈ હતી. ક્રાઇમ બ્રાંચને એવી બાતમી મળી હતી કે પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા સીમાંચલ ઉર્ફે સીમા અને મુન્ના ઉર્ફે કાલિયા તેમજ સુબલા પરીઢા રાત્રિના મોટરસાઇકલ લઈને લૂંટ કરવા નીકળે છે અને
ત્રણેય જણા સમસુદ્દીન શેખની હત્યા કરી લૂંટી લીધા બાદ વતન ઓરિસા ભાગી ગયા છે. જે બાતમીના
આધારે ગંજામ જિલ્લાના રાલબ ગામ ખાતેથી સીમાંચલ ઉર્ફે સીમા મહેન્દ્ર મારકંજ નાહક અને મુન્ના
ઉર્ફે કાલિયા નબીના ઉત્સબ પરીઢાને ઝડપી પાડી સુરત લાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં
સીમાંચલ નાહક અને મુન્ના પરીઢાએ ગત 22મી નવેમ્બરના રોજ ખજાદગામ હીરા બુર્સમાં જાનીકુમાર નિર્માણ ધોસ નામના યુવક પર ચપ્પુથી હુમલો કરી રોકડા રૂ. 1 હજાર અને મોબાઈલ લૂંટી લીધો હોવાની પણ કબૂલાત કરી
હતી અને આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
હતો.