સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયમાં લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક પ્રકારની કંકોત્રી બનાવાય છે પણ સુરતના સોશિયલ મીડિયામાં એક કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા લોકોના જીવન પર એટલી અસર કરી દીધી છે કે પોતાની કંકોત્રી લોકો કરતા જુદી હોય એ માટે એન્જિનિયર વધુએ પોતાના વેબ ડિઝાઈનર વર પાસે વોટ્સઅપ થીમ પર કંકોત્રી તૈયાર કરાવી છે. આરઝૂ દેસાઈની આરઝૂ પુરી કરવા ચિંતને ખાસ લગ્નપત્રિકા વ્હોટ્સએપ થીમ પર પોતે બનાવી છે. જેમાં બધા જ કન્ટેન્ટ વ્હોટ્સએપ જેવા જ રાખવામાં આવ્યા છે. અને ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો લોકો તેમના લગ્નમાં નહિ આવે તો તેમને વોટ્સઅપ પર બ્લોક કરી દેવામાં આવશે.
સુરતમાં ઇલેક્ટ્રિકલ એન્જીનિયર આરઝૂ અને વેબ ડિઝાઈનર ચિંતન ફેબ્રુઆરી મહિનામાં લગ્નગ્રંથી જોડાવા જઈ રહ્યા છે. આરઝૂ અને ચિંતનની લગ્નપત્રિકા તેમના પરિવાર અને નજીકના લોકો પાસે જઈ રહી છે ત્યારે તેઓ આ કંકોત્રી જોઈ તેના લૂક અને થીમની ચર્ચા કરી રહ્યા છે. બન્નેના લગ્નની કંકોત્રી રૂટિન લગ્નપત્રિકા જેવી નથી. તેઓ હવે પોતાના નવા લગ્નજીવનના આરંભમાં પણ સોશિયલ મીડિયા થીમનો ઉપયોગ કર્યો છે.ચાર પેઇજની આ લગ્નપત્રિકામાં બધા જ કન્ટેન્ટ વોટ્સએપમાં છે તે જ પ્રકારે પ્રિન્ટ કરાયા છે. કવર પર જ લખાયું છે, ‘અનલોક વેડિંગ’.. અંદર સ્ટેટસમાં લગ્નપ્રસંગે હાજર રહેવા આમંત્રણ અપાયું છે. (યુ આર ઓબ્લીગેટેડ ટુ અટેન્ડ અવર વેડિંગ એલ્સ યુ વીલ બી બ્લોક્ડ ઓન વ્હોટ્સઅપ).
આરઝૂએ જણાવ્યું હતું કે તે પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માંગતી હતી. કંકોત્રી ગુજરાતીમાં હોય અને તે પણ અત્યાર સુધી કોઈએ બનાવી ન હોય એવી એ માટે ચિંતનને વોટ્સઅપ ગ્રુપની થીમ પર કંકોત્રી તૈયાર કરવા કહ્યું અને જેમાં કવર પેઇજ થી માંડી દરેક પેઇજ પર ઇન્ડિયન ટ્રેડિશન લૂક આપવામાં આવ્યું છે. મને મારા લગ્નની કંકોતરી કંઇક અલગ રીતે બનાવવી હતી જેથી તે જીવનભરનું સંભારણું બની રહે. તેથી મે વ્હોટ્સઅપ થીમ પર પસંદગી ઉતારી છે.વોટ્સએપ ના લોગોમાં ગણેશજીની તસ્વીર છે. ગુજરાતી કવિતાઓ પણ છે.અને લોકો ને કહી દેવામાં આવ્યું છે કે જો તેઓ લગ્નમાં નહીં આવ્યા તો તેમને વોટ્સઅપ પર બ્લોક કરી દેવામાં આવશે.
તો આ અંગે ચિંતને જણાવાયું હતું કે આરઝૂએ જે થીમ બતાવી ત્યારે લાગ્યું કે હું આ કંકોત્રીને માત્ર બે દિવસમાં તૈયાર કરી લઈશ પરંતુ એની ડિઝાઇન માટે સાત દિવસ લાગી ગયા અને કંકોત્રી તૈયાર થઇ જે આરઝૂને ખૂબ જ પસંદ આવી છે. લગ્ન કંકોત્રી પાછળ ઘણા લોકો તગડો ખર્ચ કરે છે. તો ઘણા ઓછા ખર્ચે કંકોત્રીને થીમબેઇઝ બનાવે છે. મોટાભાગના લોકો વ્હોટ્સએપ પર મોટાભાગનો સમય મેસેજની આપ-લે કરવામાં વિતાવે છે. તેથી મને આ થીમ પરફેક્ટ લાગી. તેમાં ખર્ચો પણ કોઇ એક્સ્ટ્રા થવાનો નહોતો. મારા માતપિતાને પણ આ થીમ ઘણી પસંદ આવી છે.