હાલમાં રાકેશ અસ્થાના અંગેની તપાસ ચાલી રહી છે. સીબીઆઈ દ્વાર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાના કેસને લઈ અનેક પ્રકારની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
વિશ્વસનીય સૂત્રો મુજબ સુરતના એક બિલ્ડરને ત્યાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રિટાયર થયા પછી નોકરી કરતા હતા. તેમનો પગાર પણ સારો એવો હતો અને નોકરીમાં પણ કોઈ ટેન્શન હતું નહીં. પાટીદારોમાં મોટું માથું ગણાતા બિલ્ડરે સુરતમાં અનેક ગંજાવર પ્રોજેક્ટ બનાવ્યા છે અને સુરતથી લઈ ગાંધીનગર અને ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી ભાજપના નેતાઓ સાથે નિકટનો ધરોબો ધરાવે છે.
પણ જ્યારથી સીબીઆઈની તપાસ શરૂ થઈ છે ત્યારથી બિલ્ડર પણ ભારે દોડધામમાં છે અને આ બિલ્ડરની ઓફીસમાં કામ કરતા રિટાયર એસીપીએ નોકરી છોડી દીધી છે. એસીપીએ નોકરી છોડી દેતા તે અંગે સુરતમાં કંઈ કેટલીય ચર્ચાઓએ ઉપાડો લીધો છે. એસીપી મુસ્લિમ સમાજમાંથી આવે છે અને તેમનું નામ નારાયણ સાંઈ લાંચ કેસમાં ઉછળી ચૂક્યું છે.
એસીપી અને બિલ્ડર બન્ને એક જ પોલીસ અધિકારીની છત્રછાયા ધરાવતા હતા અને હાલ આ પોલીસ અધિકારી પર સીબીઆઈની બાજનજર હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં સીબીઆઈના અધિકારીઓએ વડોદરા આવીને ચૂપચાપ તપાસ કરી હતી. અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.