ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સામે આવતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી આજ રોજ મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકોને કોરોના વાયરસનો સામનો કરવા માટેની અપીલ કરી છે અને તેમણે જણાવ્યું હતું કે સરકાર આ વાયરસ સામે લડવા માટે રાત દિન મહેનત કરી રહી છે જેથી તમામ લોકોને સહકાર આપવા માટે જણાવ્યું છે. ગઈકાલે થયેલી મહત્ની બેઠકમાં ઘણાં જરુરી નિર્ણય લઈને પગલા ભરવાનું શરુ કરી દેવાયું છે. રાજ્યમાં સુરત અને રાજકોટમાં નોંધાયેલા પોઝેટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમની સારવાર માટેની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું છ કે, જે બે કેસ ગુજરાતમાં બન્યા છે અને તેઓ જેમના સંપર્કમાં આવ્યા તેનું લિસ્ટ બનાવીને તેમનું સ્કેનિંગ અને સારવાર આપવાની પણ શરુઆત કરી દેવાઈ છે. આ સાથે વાયરસનું સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટેના પગલા પણ ભરવામાં આવ્યા છે. ગુજરાતના મોટા મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાઓને 30 માર્ચ સુધી સ્થગિત કરાઈ છે. એસટીની બસોને સેનિટાઈઝ કરીને ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય બહારથી આવનારા લોકોનું ચેકપોસ્ટ પર સ્કેનિંગ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રમાં જતી બસોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.