ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા મહિધરપુરાના યુવાનને તમે ઓનલાઇન સાઇટ્સ ઉપરથી ખરીદી કરો છો તેથી તમે કોન્ટેસ્ટમાં સિલેક્ટ થયા છો તેમ કહી કોન્ટેસ્ટમાં પહેલા નંબરે આવવા અને કાર અપાવવાની લાલચ આપી દિલ્હીની ઠગ ટોળકીએ ત્રણ માસમાં રૂ.2.22 લાખ પડાવ્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા ગલેમંડી મોટીશેરી ઘર નં.6/174 માં રહેતા 35 વર્ષીય પ્રતિકભાઈ પંકજભાઈ પટેલ દાલગીયા મહોલ્લા રાજતિલક બિલ્ડીંગમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્રણ માસ અગાઉ એક મોબાઈલ નંબર ઉપરથી સારિકા નામની યુવતીએ તેમને ફોન કરી તમે ઓનલાઇન સાઇટ્સ ઉપરથી ખરીદી કરો છો તેથી તમે લકી ડ્રોમાં 1 થી 10માં સિલેક્ટ થયા છો, તમે જો કોન્ટેસ્ટમાં પહેલા નંબરનું ઇનામ કાર જીતવી હોય અને પોઇન્ટ વધારવા હોય તો રૂ.2499 ભરી દો.
પૈસા ભર્યા બાદ તેમને દિલ્હીની ડીલક્ષ મંત્રા કંપનીમાંથી કિનારી મહેતાએ ફોન કરી ઇનામ કન્ફર્મ કરવા રૂ.10,000 ભરાવ્યા હતા અને ત્યાર બાદ કંપનીના મનેજર ધર્મેશ પટેલે ફોન કરી રજીસ્ટ્રેશન,ટેક્સના નામે કુલ રૂ.2,22,499 ભરાવ્યા હતા. ધર્મેશે વેરિફિકેશન માટે ફોન આવે તો રૂ.2 લાખ છેલ્લા ભર્યા છે તેમ કહેજો તેવી તાકીદ પ્રતિકભાઈને કરી હતી પરંતુ તેમણે વેરિફિકેશન માટે ફોન કરનાર વિજય મહેરાને છેલ્લા રૂ.80,000 ભર્યા હતા તેમ કહેતા ધર્મેશે ફરી ફોન કરી કાર માટે ફરી બીજા પૈસા ભરવા પડશે તેવી વાત કરી હતી.પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું લાગતાં પ્રતિભાઈએ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરી હતી. અરજીના આધારે મહિધરપુરા પોલીસે ગતરોજ ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.