ખટોદરા પોલીસ મથકની ટીમે શુક્રવારે ચોરીના બનાવમાં ત્રણ યુવાનોને પૂછપરછ માટે બોલાવી ગેરકાયદે અટકાયત કરી ઢોર માર મારતા એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ખટોદરાના પીઆઈ, પીએસઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 કર્મચારી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ યુવકની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. હાલ નાયબ કલેક્ટર આરસી પટેલ અને ડીસીપી ચિંતન તેરૈયાની હાજરીમાં પંચનામું ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં માર મારવાના કારણે મોતને ભેટેલા યુવકનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ કલેકેટર અને ડીસીપીની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું. દરમિયાન યુવકનું એક્ઝામીન કરનાર સિવિલ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે યુવકના બંને પગની આગળ અને પાછળ, ડગરા પર, કમર, ગરદન સહિતના શરીર પર ગંભીર મારના નિશાન મળી આવ્યા છે. જ્યારે અન્ય બે યુવકના શરીર પર પણ ગંભીર મારના નિશાન મળી આવ્યા છે. હાલ પંચનામું થયા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખટોદરા પોલીસ મથકની હદમાં રૂ. 4.50 લાખની મતાની અને રૂ. 70 હજારની મતાની બે ઘરફોડચોરી થઈ હતી. આ ઉપરાંત ઉધના પોલીસ મથકની હદમાં પણ એક ચોરી થઈ હતી. આ ત્રણેય ચોરીમાં પાંડેસરાના કૈલાસનગર વિસ્તારમાં રહેતા રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ અને જયપ્રકાશની સંડોવણી હોવાની શંકાના આધારે ખટોદરા પોલીસની ટીમ ત્રણેયને ત્રણ દિવસ પહેલા પોલીસ સ્ટેશન પર લાવી હતી. ગુનાની કબૂલાત માટે થર્ડ ડિગ્રી અપનાવીને ત્રણેયને ઢોરમાર માર્યો હતો. જેમાંથી ઓમપ્રકાશ પાંડેને ગંભીર ઈજા થતાં તેને પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને મોડી રાત્રે મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર ઘટનામાં ગેરકાયદે અટકાયત કરી હોવાનું ફલિત થતાં ખટોદરાના પીઆઈ મોહનલાલ ભગવાનરામ ખિલેરી, પીએસઆઈ ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ નાગર ગરંભા, આશિષ મનસુખ દિહોરા, હરેશ જેસંગ ચૌધરી, પરેશ નાથા ભુકણ, કનકસિંહ જેઠુ દિયોલ સામે ગુનો નોંધાયો હતો. જેની તપાસ એસીપી ઈ ડિવિઝન એન.એસ. દેસાઈને સોંપવામાં આવી હતી. ભાગી જનાર તમામના મોબાઇલ ફોન પોલીસ મથકમાં જમા હોવાથી પકડી પાડવાનું કામ પોલીસ માટે દુષ્કર બની ગયું હતું. પોલીસે તમામના નિવાસસ્થાને તપાસ કરી હતી પરંતુ કોઈ હાજર મળી આવ્યું ન હતું.
એક વાત એવી પણ ચર્ચાના કેન્દ્રમાં રહી છે કે જે સાત પોલીસ અધિકારી અને કર્મચારી સામે ગુનો નોંધાયો છે તેમણે ફરિયાદી પર ભારે દબાણ કરી ફરિયાદ પરત ખેંચી લેવાની વાત કરી છે.