વરાછા વિસ્તારમાં યોગીચોકથી આગળ સીમાડા બાપા સીતારામ બીઆરટીએસ પાસે આવેલા શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કુદીને યુવકે આપઘાત કરી લીધો હતો. 22થી 25 વર્ષના અજાણ્યા ઈસમે સિલ્વર બિઝનેસ હબ શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કુદયો તે સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. સવારના સમયે હજુ સાફ સફાઈ થઈ રહી હતી અને લોકોની અવરજવર પણ ઓછી હતી તે દરમિયાન યુવકે અગમ્ય કારણોસર કુદીને આપઘાત કર્યો હતો.કુદતા અગાઉ યુવકે ડાન્સ કર્યો હોવાના સીસીટીવી સામે આવ્યાં છે.
સવારે નવ અને 45 મિનિટે સર્જાયેલી દુર્ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અંદાજે 22થી 25 વર્ષની વયનો લાગતો આ યુવક તેમના શોપિંગ સેન્ટરનો નથી. તેમજ આ યુવક આપઘાત કરવાના ઈરાદેથી આવીને ચોથા માળેથી કુદી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી સાથે જ અજાણ્યા ઈસમ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિલ્વર બિઝનેસ હબ શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કુદતા અગાઉ યુવક નાચતો હોય જાણે માઈકલ જેક્શનના અંદાજમાં તેવા દ્રસ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. બ્રેક ડાન્સ કરતો હોય અથવા તો કદવા બાદ કેવી રીતે નીચે પડશે જમીન પર તેવી ગણતરીની એકશન કરતો સીસીટીવીમાં યુવક કેદ થયો હતો. બાદમાં ચોથા માળની ગ્રીલ પરથી નીચે કુદકો મારી ગયો હતો.