આંખો સામે કાળા ધબ્બા કે ઝબકારા દેખાય છે? સ્વાઈન ફ્લૂ દર્દીઓ માટે ડોક્ટરની સૌથી મોટી ચેતવણી!
તાવ, શરીરનો દુખાવો, ગળામાં બળતરા કે ખરાશ અને સતત ઉધરસ એ H1N1 ઈન્ફલુએન્ઝા (H1N1 Influenza) એટલે કે સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના અત્યંત સામાન્ય લક્ષણો છે. સામાન્ય રીતે H1N1 વાયરસ મુખ્યત્વે આપણા શ્વસનતંત્ર (Respiratory System) પર હુમલો કરે છે. પરંતુ આ વાયરલ ઈન્ફેક્શન અને તેના કારણે શરીરમાં ઉત્પન્ન થતી બળતરા (Inflammation) ક્યારેક આંખો સંબંધિત ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આંખોના મોટાભાગના લક્ષણો અસ્થાયી હોય છે અને ફ્લૂ મટવાની સાથે સરખા થઈ જાય છે, પરંતુ અમુક ચોક્કસ ચેતવણીરૂપ લક્ષણો એવા છે જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ.

‘શાર્પ સાઈટ આઈ હોસ્પિટલ્સ’ (Sharp Sight Eye Hospitals) ના સિનિયર કન્સલ્ટન્ટ ડો. શાહાન પુષ્પ (Dr. Shahaan Pushp) ના જણાવ્યા મુજબ, વાયરલ ઈન્ફેક્શન દરમિયાન અથવા મટ્યા પછી આંખોમાં આ સમસ્યાઓ દેખાઈ શકે છે, જે ક્યારેક કંજંકટિવાઈટિસ (આંખ આવવી) જેવી પણ લાગે છે. ડો. પુષ્પે જણાવ્યું કે, “H1N1 મુખ્યત્વે શ્વસનતંત્રનો ચેપ હોવા છતાં તે માત્ર ગળા કે ફેફસાં સુધી સીમિત રહેતો નથી. અમુક કિસ્સાઓમાં આ ચેપ અને બળતરા આંખો માટે પણ જોખમ ઊભું કરી શકે છે.”
H1N1 વાયરસ આંખોને કેવી રીતે અસર કરે છે?
સ્વાઈન ફ્લૂથી પીડાતી વખતે કેટલાક દર્દીઓમાં આંખો લાલ થવી, સતત પાણી પડવું, આંખોમાં બળતરા થવી કે ખૂંચવાની અનુભૂતિ (Gritty Sensation) થઈ શકે છે. આ સામાન્ય લક્ષણો ફ્લૂના તાવ સાથે શરૂ થાય છે અને વાયરલ ઈન્ફેક્શન ઓછું થતાં જ મેળે શમી જાય છે.
જોકે, ડો. શાહાન પુષ્પે વધુમાં ઉમેર્યું કે, “અત્યંત દુર્લભ કિસ્સાઓમાં ઈન્ફલુએન્ઝા સંબંધિત જટિલતાઓ આંખની અંદરના ભાગો સુધી પહોંચી શકે છે. આ બળતરા આંખના પડદા (Retina) અથવા દ્રષ્ટિની નસ (Optic Nerve) ને અસર કરી શકે છે, જેના કારણે દ્રષ્ટિમાં કાયમી કે અસ્થાયી ફેરફારો થઈ શકે છે.” આવી જટિલતાઓ ભલે ઓછી જોવા મળતી હોય, પરંતુ જો ફ્લૂ દરમિયાન અચાનક દ્રષ્ટિમાં કોઈ ફેરફાર અનુભવાય તો તેને માત્ર ફ્લૂનો સાધારણ દોષ ગણીને બેસી રહેવું નાસમજી ગણાશે.
H1N1-સંબંધિત આંખની સમસ્યાઓના ૭ ચેતવણીજનક લક્ષણો
જો તમને અથવા પરિવારમાં કોઈને સ્વાઈન ફ્લૂ દરમિયાન નીચે મુજબના ૭ લક્ષણોમાંથી કોઈ પણ અનુભવાય, તો તાત્કાલિક નેત્ર ચિકિત્સક (Eye Specialist) નો સંપર્ક કરવો જોઈએ:
૧. ઝાંખી દ્રષ્ટિ કે રોશની ઓછી થવી (Blurred or Reduced Vision)
જો ફ્લૂના ઈન્ફેક્શન દરમિયાન કે તે પછી અચાનક સ્પષ્ટ દેખાવાનું બંધ થઈ જાય કે દ્રષ્ટિમાં ઝાંખપ આવી જાય, તો તરત જ આંખની તપાસ કરાવવી અનિવાર્ય છે.
૨. આંખોમાં અસહ્ય દુખાવો (Eye Pain)
આંખોમાં સતત કે તીવ્ર દુખાવો થવો એ સામાન્ય નથી. તે આંતરિક બળતરા કે અન્ય ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
૩. પ્રકાશ પ્રત્યે અતિસંવેદનશીલતા (Increased Sensitivity to Light)
પ્રકાશ સામે જોવામાં તકલીફ પડવી અથવા અંજપો થવો (Photo-phobia) એ આંખના અંદરના ભાગમાં ઈન્ફેક્શનનો સંકેત છે, જેની તબીબી તપાસ જરૂરી છે.
૪. આંખોનું ભારે લાલ થવું (Eye Redness)
વાયરલ સંક્રમણમાં આંખો લાલ થવી સામાન્ય છે, પરંતુ જો આંખોની લાલાશ સતત વધતી જાય અને સાથે દુખાવો કે દ્રષ્ટિમાં ઝાંખપ આવે તો ડોક્ટરની સલાહ લેવી.

૫. સતત પાણી પડવું અને ખંજવાળ આવવી (Excessive Watering or Irritation)
આંખોમાંથી અવિરત પાણી વહેવું કે ખૂંચાડો થવો એ અસ્થાયી હોઈ શકે છે, પણ જો આ અસ્વસ્થતા લાંબા સમય સુધી રહે તો તેની અવગણના ન કરવી.
૬. આંખો સામે વીજળીના ઝબકારા દેખાવા (Flashes of Light)
અચાનક આંખો સામે રોશનીના ઝબકારા (Flashes) દેખાવા એ રેટીના (અંતરપટલ) માં સમસ્યા હોવાનો સ્પષ્ટ સંકેત છે. આ લક્ષણ દેખાતાં જ ઈમરજન્સી આઈ એક્ઝામિનેશન કરાવવું જોઈએ.
૭. આંખો સામે કાળા ધબ્બા અચાનક વધવા (Sudden Increase in Floaters)
આંખો સામે કાળા ટપકાં કે ઝાાળાં (Floaters) અચાનક વધી જવા, ખાસ કરીને જ્યારે તેની સાથે ઝબકારા કે દ્રષ્ટિ ઓછી થવાની સમસ્યા હોય, ત્યારે રેટીનામાં પંક્ચર કે નુકસાન હોઈ શકે છે.
કોણે વિશેષ કાળજી લેવાની જરૂર છે?
જે દર્દીઓમાં સ્વાઈન ફ્લૂનું પ્રમાણ ખૂબ ગંભીર હોય, તેમને ડીહાઈડ્રેશન (શરીરમાં પાણીની અછત), રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, લાંબા સમય સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું અથવા ચોક્કસ દવાઓની આડઅસરને કારણે પણ આડકતરી રીતે આંખોની તકલીફ થઈ શકે છે. તેથી, H1N1 પછી થતી દરેક આંખની સમસ્યા વાયરસથી જ થઈ હોય તેવું જરૂરી નથી, પરંતુ તેની તપાસ કરાવવી સલાહભર્યું છે.
H1N1 દરમિયાન આંખોનું રક્ષણ કેવી રીતે કરવું?
સ્વાઈન ફ્લૂના સંક્રમણ દરમિયાન આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે નીચે મુજબના પગલાં ભરવાં જોઈએ:
હાઈડ્રેટેડ રહો: પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરો.
હાથની સ્વચ્છતા: વારંવાર સાબુથી હાથ ધોવો અને અસ્વચ્છ હાથે આંખોને સ્પર્શ કરવાનું કે ચોળવાનું ટાળો.
જાતે દવાઓ ન લો (No Self-Medication): ડો. શાહાન પુષ્પે ખાસ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, “લોકોએ ડોક્ટરની સલાહ વગર જાતે જ એન્ટિબાયોટિક કે સ્ટેરોઈડ ધરાવતા આઈ ડ્રોપ્સ (Eye Drops) વાપરવાનું ટાળવું જોઈએ. આવી આડધડ દવાઓનો ઉપયોગ આંખોની સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.”
