અમદાવાદ સ્થિત ટેક સોલ્યુશન પ્રોવાઇડર નવ વાયરલેસ ટેક્નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં સૌ પ્રથમ વખત હોમ સિક્યોરિટી સેગમેન્ટમાં લાઇ-ફાઇ ટેક્નોલોજીથી કાર્ય કરતાં લોક લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે. કંપની લાઇ-ફાઇ ટેકનોલોજી આધારિત અનેક નવા ઇનોવેશન પર કામ કરી રહી છે અને લોકિંગ સિસ્ટમ દ્વારા કોમર્શિયલ રીતે માર્કેટ વિસ્તારવાની યોજના ધરાવે છે.
આ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને સહસ્થાપક હાર્દિક સોની કહે છે કે ભારતમાં ઘરની લોકિંગ સિસ્ટમમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અનેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ડિજિટલ લોકિંગ સિસ્ટમ અને બાયોમેટ્રિક પદ્ધતિના લોક પણ ઉપલબ્ધ છે. જોકે, આ પ્રકારના ડોર-લોક માત્ર સુપર પ્રીમિયમ વર્ગ માટે જ જરૂરી છે એવું મોટા ભાગના લોકો વિચારે છે. અમે સૌ પ્રથમ વખત લાઇટ ફિડેલિટી (લાઇ-ફાઇ) ટેકનોલોજી આધારિત ડોર લોકિંગ સિસ્ટમ બજારમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.
નવ ટેકનોલોજી લાઇ-ફાઇ ટેક્નોલોજીમાં કામ કરતી ભારતમાં રજિસ્ટર્ડ હોય એવી એકમાત્ર કંપની છે અને સમગ્ર વિશ્વમાં માત્ર 18 કંપનીઓ લાઇ-ફાઇ ટેકનોલોજીમાં કામ કરે છે તે પૈકી એક છે. લાઇ-ફાઇ એ મોબાઇલ વાયરલેસ ટેકનોલોજી છે, જે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે રેડિયો ફ્રિક્વન્સીના બદલે લાઇટ (પ્રકાશ)નો ઉપયોગ કરે છે. તે હાલના બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કરતાં વધારે ઝડપી છે અને વાઇ-ફાઇ કરતાં 10 ગણી સસ્તી છે.
હાર્દિક સોનીએ જણાવ્યું હતું કે, હોમ લોકિંગ સિસ્ટમમાં અમે કીમાં લાઇટ ધરાવતા લોક લોન્ચ કરીશું, જેની રેન્જ 3,000 થી 10,000 રૂપિયા સુધીની રહેશે. કોઈ સંજોગોમાં મોડી રાત્રે અંધારામાં પણ લોક ઓપન કરવાની સ્થિતિ હોય તો પણ ચાવીની લાઇટ દ્વારા જ લોક ઓપન થઈ શકશે. આ કંપની ટૂંકસમયમાં લોક સિસ્ટમ લોન્ચ કરશે અને ત્યાર બાદ અન્ય સેક્ટરમાં પણ લાઇ-ફાઇ ટેક્નોલોજી દ્વારા ઇનોવેશનની યોજના ધરાવે છે. કંપની હાલમાં ભારતીય સૈન્ય માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.