મુંબઇઃ ફેસબુક હવે વધુ એક સોશિયલ મીડિયા સાઇટ્સના યુઝર્સના ડેટા લીક થયા હોવાની અને ડાર્કવેબ સાઇટ પર ઓનલાઇન વેચવા માટે મૂકવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
આ વખતે LinkedInના યુઝર્સા ડેટા લીક થયા હોવાના સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ LinkedIn યુઝર્સના ડેટા ઓનલાઇન લીક કરવામાં આવ્યા છે જેમાં 50 કરોડથી પણ વધારે LinkedInના યુઝર્સ શામેલ છે. સોશિયલ મીડિયા સાઇટ્સના યુઝર્સના ડેટા લીકની ઘટનાઓથી યુઝરોએ વધારે સાવચેત અને સાવધાન રહેવાની જરૂર છે.
સાયબરન્યૂઝની એક રિપોર્ટ મુજબ LinkedInના 50 કરોડ યુઝર્સના મહત્વપૂર્ણ ડેટા ડાર્કવેબ પર દેખાઇ રહ્યા છે. રિપોર્ટમાં એવુ પણ કહ્યુ છે કે, લીક થયેલી માહિતીમાં LinkedIn યુઝર્સની આઇડી, સંપૂર્ણ નામ – ઇમેલ એડ્રેસ, ફોન નંબર, જેન્ડર, LinkedIn પ્રોફાઇલની લિંક, અન્ય સોશિયલ મીડિયા પ્રોફાઇલની લિંક, પ્રોફેશનલ ટાઇટલ અને અન્ય કામગીરી સંબંધિત ડેટાઓ શામેલ છે. હાલ એ સ્પષ્ટ થયુ નથી કે હેકર્સ અપડેટેડ LinkedIn પ્રોફાઇલને વેચી રહ્યા છે કે નથી.
LinkedInએ ડેટા લીક થયો હોવાનું સ્વીકારતા કહ્યુ કે, આ ઘટનામાં એવા ડેટા શામેલ છે જે સાર્વજનિક રીતે જોઇ શકાય છે, જેને LinkedInથી સ્ક્રેપ કરવામાં આવ્યા છે. યુઝર્સે LinkedIn પર પોતાના ડેટા અંગે સુરક્ષિત રહેશે તેવવો વિશ્વાસ મૂક્યો છે અને અમે આ વિશ્વાસ જાળવી રાખવા માટે પગલાંઓ લઇશુ. અમે LinkedIn ડેટાના એક કથિત સેટની તપાસ પણ કરી હતી જે વેચાણ ઉપર મૂકવામા આવ્યા હતા. આ સાથે જ એની પણ ખાતરી કરવામાં આવી હતી કે શું તે ખરેખર ઘણી વેબસાઇટો અને કંપનીઓના ડેટાનું એક્ત્રીકરણ છે કે નહીં.