કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા ચોરીના કેસમાં બ્રાઝિલની સરકારે ફેસબુક ઉપર 16.5 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે. કંપનીએ એક મહિનામાં આ રકમ ચૂકવવાની રહેશે. બ્રાઝિલના ન્યાય વિભાગે કહ્યું હતું કે કેસની તપાસ દરમિયાન જણાયું હતું કે એ સ્કેન્ડલમાં બ્રાઝિલના 4.43 લાખ નાગરિકોના ડેટાની ચોરી થઈ હતી.

2018માં કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડર બહાર આવ્યું હતું. આ બ્રિટિશ એજન્સીએ ફેસબુકની મદદથી દુનિયાના 8.7 કરોડ યુઝર્સના ડેટાની ચોરી કરી હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો હતો. એ મુદ્દે વિવિધ દેશોમાં ફેસબુક સામે તપાસ શરૂ થઈ હતી.
એવી જ તપાસ બ્રાઝિલમાં પણ થઈ હતી. એ તપાસમાં જણાયું હતું કે બ્રાઝિલના 4.43 લાખ ફેસબુક યુઝર્સના ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલમાં ચોરી થયા હતા. એ કેસમાં બ્રાઝિલ સરકારે અમેરિકન સોશિયલ મીડિયા કંપનીને આકરો દંડ ફટકાર્યો છે. બ્રાઝિલના ન્યાય વિભાગે ફેસબુકને 16.5 લાખ ડોલરનો દંડ કર્યો છે.

એટલે કે લગભગ 11 કરોડ રૂપિયા ફેસબુકે બ્રાઝિલની સરકારને ચુકવવા પડશે. દંડની રકમ ફેસબુકે એક મહિનામાં ભરવાની રહેશે. ફેસબુકને રીવ્યૂ પિટિશન માટે એક સપ્તાહનો સમય અપાયો છે. ફેસબુકે આ કેસના સંદર્ભમાં કહ્યું હતું કે કંપનીના નિષ્ણાતો આ ચુકાદાનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એ પછી જ આગળની કાર્યવાહીનો નિર્ણય જાહેર કરાશે.

જોકે, કંપનીએ યુઝર્સના ડેટાની સલામતિ હોવાની ખાતરી આપીને કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપની એવી તકેદારીના પગલાં ભરે છે કે પ્લેટફોર્મ પર આવનારા દરેક યુઝર્સની માહિતી ગુપ્ત રહે અને એ માટેના તમામ પ્રયાસો આગામી દિવસોમાં પણ થતાં રહેશે.