ફેસબૂકને યુઝર્સની અંગત માહિતી જાહેર કરવી ભારે પડી હતી. આજે અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ ફેસબૂકને વપરાશકારોની ગુપ્તતા ન જાળવવા બદલ ૫ અબજ ડૉલરનો દંડ કર્યો હતો. રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ ૩૪૨.૮૦ અબજ અથવા ૩૪૨૮૦ કરોડ જેટલી થાય છે. ફેસબૂકને કેમ્બ્રિજ એનાલિટીકા સ્કેન્ડલ મુદ્દે વિવિધ દેશોમાં નાના-મોટા દંડ થયા છે. પરંતુ અમેરિકામાં દંડ થવાનો આ પહેલો કિસ્સો છે.

આ અત્યાર સુધીનો આખી દુનિયામાં કોઈ પણ ટેકનોલોજી કંપનીને થયેલો સૌથી મોટો દંડ છે. એફટીસીના પાંચ અધિકારીઓએ ૩ વિરૂદ્ધ ૨ મતથી આ દંડની રકમ નક્કી કરી હતી. જોકે આ દંડ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી, જે હવે ટૂંક સમયમાં થવાની શક્યતા છે.

૨૦૧૮માં ફેસબૂકની માહિતી સલામત ન હોવાની જગતને જાણકારી મળી હતી, જ્યારે કેમ્બ્રિજ એનાલિટિકા નામે ડેટા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતુ. ફેસબૂકની નબળી સુરક્ષાનો લાભ બ્રિટિશ કમ્યુનિકેશન ટેકનોલોજી કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ ઉઠાવીને ૮.૭ કરોડ ફેસબૂક યુઝર્સની અંગત માહિતી (નામ, જન્મની વિગત, ઈ-મેઈલ, ફોન નંબર, સરનામા વગેરે) મેળવી લીધી હતી. ફેસબૂકમાં કોઈ વ્યક્તિ ખાતું ખોલાવે ત્યારે તેને આ બધી માહિતી આપવાની હોય છે. સાથે સાથે ફેસબૂકનો એવો દાવો પણ હોય છે કે આ માહિતી કંપની કોઈને આપતી નથી. એટલે કે વપરાશકર્તાની બધી વિગતો ગુપ્ત રહે છે.

દંડની રકમ અંગે જોકે ઘણા નિષ્ણાતો સહમત નથી. કેમ કે ફેસબૂક માટે ૫ અબજ ડૉલર એ બહુ મામુલી રકમ છે. છેલ્લા ત્રિમાસિક ગાળાનો ફેસબૂકનો નફો ૧૫ અબજ ડૉલર હતો. એ હિસાબે એક મહિનાની આવક જેટલો જ દંડ થયો છે. જોકે ફેસબૂકની પ્રતિષ્ઠાને બહુ હાનિ પહોંચી છે. બીજી તરફ દંડની રકમ નક્કી થયા પછી પણ ફેસબૂકના શેરમાં ઘટાડો થવાને બદલે વધારો થયો હતો.

ફેસબૂકનો શેર અમેરિકી શેરબજારમાં લગભગ ૧.૮ ટકા વધીને ૨૦૬ ડૉલરે પહોંચ્યો હતો. ૨૦૧૧માં ફેસબૂકે એવી ખાતરી આપી હતી કે વપરાશકર્તાની કોઈ પણ માહિતી બીજા સાથે શેર કરતાં પહેલા એ વપરાશકર્તાની પરવાનગી લેશે. ફેસબૂકે આ કિસ્સામાં એવુ કર્યું ન હતું. આ બેદરકારીના આધારે દંડ નક્કી કરાયો હતો.

કેમ્બ્રિજ એનાલિટીકાએ ફેસબૂક પર એક ક્વિઝની એપ બનાવી હતી. વપરાશકર્તા ફેસબૂક એકાઉન્ટ દ્વારા આ ક્વિઝની ગેમ રમી શકતા હતા. પરંતુ વપરાશકારોને ખબર ન હતી કે ગેમ રમે એ દરમિયાન એનાલિટિકા તેની બધી વિગતો ચોરી લેતી હતી. એટલું જ નહીં આ ચોરાયેલી વિગતોનો ઉપયોગ અમેરિકી પ્રમુખની ચૂંટણી દરમિયાન લોકોનું બ્રેઈન વોશિંગ કરવા માટે પણ કરાયો હતો. અમેરિકા-યુરોપના દેશોમાં પ્રાઈવસી (ગુપ્તતા)ના કાયદા બહુ કડક છે. લોકોની જાણકારી વગર કોઈ તેનો ફોટો લે એ પણ ત્યાંની પ્રજાને પસંદ નથી. અહીં તો ઢગલાબંધ માહિતી જાણ બહાર ચોરાઈ ગઈ હતી અને તેનું અસલ કારણ ફેસબૂકની બેદરકારી હતી.
આ કૌભાંડ પછી ફેસબૂક પર આખી દુનિયામાંથી પસ્તાળ પડી હતી. અમેરિકી સંસદે પણ માર્ક ઝકરબર્ગને વિવિધ ખુલાસા કરવા માટે સંસદિય સમિતિ સમક્ષ બોલાવ્યા હતા. અમેરિકામાં વેપારની કામગીરી પર ધ્યાન રાખતી સંસ્થા એફટીસીએ એ પછી ફેસબૂકને આકરો દંડ કરવાનું નક્કી કર્યું હતુ. દંડ સાથે ફેસબૂક પર કેટલાક બીજા પ્રતિબંધો પણ મુકાય એવી શક્યતા છે.

માહિતી લિક થતી હોવાની જાણકારી પછી પણ ફેસબૂકે યુઝર્સની વિગતો સલામત રહે એ માટે પૂરતા પગલા ભર્યા ન હતા. એક વખત માહિતી લિક થયા પછી પણ વારંવાર માહિતી લિક થવાના કિસ્સા બન્યા હતા. એટલે એ વાત સ્પષ્ટ થઈ હતી કે ફેસબૂક તેના વપરાશકર્તાઓની વિગતો ગુપ્ત રાખવામાં બેદરકારી દાખવી રહ્યું છે.