મુંબઈ: જિયો તેની આક્રમક વ્યૂહરચનાના ભાગરૂપે નવા જિયોફોનની ઓફર અને ઓછી કિંમતના સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે જેના કારણે તેને નવા સબસ્ક્રાઇબર્સ મેળવવામાં ફાયદો થશે તેવી શક્યતા છે, તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ટેરિફ વધારવામાં થયેલા આંશિક વિલંબના કારણે તેની મક્કમ ગતિએ વધતી એવરેજ રેવન્યૂ પર યુઝર (ARPU) ઉપર પણ કોઈ અસર જોવા નહીં મળે કારણ કે તેની વ્યૂહરચનાના પરિણામે જિયો તેના ગ્રાહકોમાં વધારો કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ કરશે, તેમ જેએમ ફાઇનાન્શિયલના તાજેતરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ 21માં જિયોના સબસ્ક્રાઇબર્સ વધવાની ગતિ ધીમી રહી, કારણ કે કોવિડના સમયગાળા બાદ ડેટાના ઉપયોગમાં આવેલા અણધાર્યા ઉછાળાના કારણે સ્પેક્ટ્રમની મર્યાદાઓ ઊભી થઈ હતી. “… અને હરિફ (ભારતી)ની વધુ સારી કામગીરી અને સ્થિતિ રહી હતી કે જેણે મોબાઇલ બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર્સમાં વધુ મોટો હિસ્સો મેળવ્યો હતો. જોકે, અમે માનીએ છીએ કે હાયર ફ્રિક્વન્સી બેન્ડ્સ હાંસલ કરી જિયોની ક્ષમતાઓ વિકસાવવાની આક્રમક વ્યૂહરચનાના પરિણામે તેના સબસ્ક્રાઇબર્સ વધવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે,” તેવું અવલોકન કર્યું હતું.
આ ઉપરાંત, નવી “આક્રમક” જિયોફોન ઓફર અને ત્યારબાદ થનારા ઓછી કિંમતના સ્માર્ટફોનનું લોન્ચ સબસ્ક્રાઇબર્સ ઉમેરવાની ગતિને વધારશે, તેવો નિર્દેશ પણ કરાયો હતો. અહેવાલમાં એવું પણ અવલોકન કરાયું હતું કે, જિયોની સબસ્ક્રાઇબર્સ વધારવાની ગતિ થોડી ધીમી પડી હતી જે દર મહિને 2.3 મિલિયનનો વધારો દર્શાવે છે, તેની સરખામણીએ માર્ચ 2020માં 4.7 મિલિયન હતી, અહેવાલમાં એમ પણ નિર્દેશ કરાયો છે કે સ્પેક્ટ્રમની મર્યાદાઓ હવે નથી રહી ત્યારે નવા જિયોફોન પ્લાન સબસ્ક્રાઇબર્સ વધારવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
નવી જિયોફોન ઓફર અને ટૂંક સમયમાં થનારા સ્માર્ટફોનના લોન્ચિંગ બંને પરિબળોના કારણે સબસ્ક્રાઇબર્સ સફળતાપૂર્વક વધશે અને નાણાકીય વર્ષ 22ના અંતમાં થનારો ટેરિફ વધારો સમગ્ર ઉદ્યોગ માટે ઉત્પ્રેરક બળ બની રહેશે, તેમ અહેવાલમાં જણાવ્યું હતું.
“અમે માનીએ છીએ કે જિયો મોબાઇલના સીધા વેચાણ અને ડિજિટલ વેચાણ થકી લાંબા ગાળા માટે તેનો સબસ્ક્રાઇબર બેઝ વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જિયોનો B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર અભિગમ ડિજિટલ તકોનું નાણાકીય ફાયદામાં રૂપાંતર કરવાની વિશાળ ક્ષમતાઓ ખોલી આપે છે જ્યારે ભારતી દ્વારા અપનાવાયેલા વ્યાવસાયિક B2B2C અભિગમ (બિઝનેસ ટુ બિઝનેસ ટુ કન્ઝ્યુમર)માં કોઈ નવાઈ નથી,” તેમ જેએમ ફાઇનાન્શિયલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.