તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક તમારા માનસિક આરોગ્ય વિશેની માહિતી આપી શકે છે. તે અંદાજો લગાવી શકે છે કે તેનો યુઝર બીમાર તો નથી ને. સાંભળવામાં તમને વિચિત્ર લગાશે પણ આ એકદમ સાચું છે. જો તમને ડાયાબિટીસ છે અને તમે ડિપ્રેશન અથવા અન્ય કોઈ માનસિક સમસ્યાઓથી પીડાતા હો તો તમારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત જાણી શકાય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યુઝરની સોશિયલ મીડિયા પોસ્ટને શારીરિક લક્ષણો તરીકે જોઈ શકાય છે. અમેરિકાની પેન્સિલવેનિયા અને સ્ટોની બ્રુક યુનિવર્સિટીના સંશોધકોએ ઓટોમેટેડ ડેટા કલેક્શન ટેકનિક દ્વારા 1,000 દર્દીઓની ફેસબુક પોસ્ટ્સના ઇતિહાસનો અભ્યાસ કર્યો. તેમાં આ યુઝર્સની બધી ફેસબુક પોસ્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ આ દર્દીઓ પાસેથી તેમનો ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ ડેટા અને પ્રોફાઇલ્સને લિંક કરવાની મંજૂરી લીધી. ત્યારબાદ સંશોધકોએ વિશ્લેષણ માટે ત્રણ મોડલ્સ બનાવ્યાં અને સંશોધન કર્યું. તેમાંના એક મોડલમાં યુઝરની ફેસબુક પોસ્ટની ભાષાનું વિશ્લેષણ કરવામાં આવ્યું, બીજા મોડલમાં દર્દીની ઉંમર અને જાતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને ત્રીજા મોડેલમાં આ બંને મોડલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
સંશોધકોએ ફેસબુક પોસ્ટ દ્વારા દર્દીના શારીરિક લક્ષણો શોધી કાઢ્યાં. આ માટે 21 અલગ-અલગ પરિસ્થિતિઓ જોવા મળી. સંશોધકોએ 10 પરિસ્થિતિઓની ચોક્કસ આગાહી કરી હતી. આ આગાહી દર્દીની પોસ્ટના આધારે કરવામાં આવી હતી.
ફેસબુક પર આપણે આપણાં વ્યક્તિત્વથી સંબંધિત દરેક વસ્તુ મૂકીએ છીએ. આ પોસ્ટ દ્વારા વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે એ વાત સરળતાથી શોધી શકાય છે. વૈજ્ઞાનિકોએ એવું જ કર્યું. આપણે શું અનુભવી રહ્યા છીએ અને આપણી જીવનશૈલી કેવી છે, યુઝર આ દરેક વાત ફેસબુક પર પોસ્ટ કરે છે. એટલે સુધી ઘણીવાર પોતાના રોગો વિશે પણ પોસ્ટ મૂકી દે છે. એવામાં સંશોધકોએ યુઝરના ફેસબુક ડેટાનું વિશ્લેષણ કરી તેમના રોગો વિશે ભવિષ્યવાણી કરી, જે ડિપ્રેશન અને ડાયાબિટીસ સંબંધિત હતી.