iPhone
કોરોના બાદ દુનિયાભરની મોટી કંપનીઓનો ભારત પર વિશ્વાસ વધી ગયો છે. એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટાટા આવતા મહિને પેગાટ્રોન પર નિયંત્રણ મેળવી શકે છે.
iPhone Manufacturing in India: ભારતમાં ટૂંક સમયમાં iPhoneનું ઉત્પાદન મોટા પાયે થઈ શકે છે, કારણ કે Tata Group Pegatron Corpને તેના નિયંત્રણમાં લઈ શકે છે. Pegatron ભારતમાં એપલની કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે, જે અહીં iPhone બનાવે છે. એક રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપ આ ડીલ મે મહિનામાં પૂર્ણ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ટાટા અને પેગાટ્રોન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ટાટા આ ડીલ આવતા મહિને એટલે કે મે મહિનામાં પૂર્ણ કરી શકે છે. આ ડીલ પૂર્ણ થયા બાદ ટાટા ગ્રુપ અને એપલ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. હાલમાં, ટાટા ગ્રુપ ભારતમાં iPhones એસેમ્બલ કરે છે. આ સોદામાં તમિલનાડુમાં ચેન્નાઈ નજીક એક આઈફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને અન્ય પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે, જેનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે.
એપલ સહિત અનેક કંપનીઓનો વિશ્વાસ વધી રહ્યો છે
કોરોના બાદ દુનિયાભરની મોટી કંપનીઓનો ભારત પર વિશ્વાસ વધી ગયો છે. ભારતની અર્થવ્યવસ્થાને તેનો સતત ફાયદો થઈ રહ્યો છે. ઘણા મેન્યુફેક્ચરિંગ યુનિટ ચીનથી ભારતમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એપલથી લઈને ટેસ્લા સુધી ઘણી મોટી કંપનીઓ ભારતમાં સતત વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. તાજેતરમાં, ટ્રેડ વિઝન રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાંથી Appleના iPhoneની નિકાસ 2023-24માં વધીને US $12.1 બિલિયન થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં US $6.2 બિલિયન હતી. સરળ ભાષામાં કહીએ તો ભારતમાંથી iPhoneની નિકાસ બમણી થઈ ગઈ છે.
ટ્રુ વિઝન એલએલસીએ જણાવ્યું હતું કે આ આંકડા દર્શાવે છે કે ભારત હવે એપલની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. મોનિકા ઓબેરોય, વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ), ટ્રેડ વિઝન એલએલસીએ જણાવ્યું હતું કે ભારત સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ જેવી પહેલોએ Apple જેવી કંપનીઓને સ્થાનિક ઉત્પાદનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. અમેરિકન માર્કેટમાં ભારતીય બનાવટના iPhonesની હાજરી સતત વધી રહી છે.