નાનકડા આમોદરા ગામથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર: તેજલ ડામોર ભારતની ટોચની ૩ પેરા એથ્લેટ્સમાં સ્થાન ધરાવે છે
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના નાના એવા આમોદરા ગામની ૨૦ વર્ષીય આદિવાસી દીકરી તેજલ અમરાજી ડામોરે પોતાની શારીરિક મર્યાદાઓને હિંમતથી હરાવી છે. આંખની તકલીફ (Partial Blind – T13 કેટેગરી) હોવા છતાં, તેજલે પેરા એથ્લેટિક્સ ક્ષેત્રે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં દુબઈ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં તેણે ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં બે સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતીને ઈતિહાસ રચી દીધો છે.
રાષ્ટ્રીય અંધજન મંડળના સહયોગથી શરૂ થઈ મેડલોની હારમાળા
તેજલની આ અદભૂત પ્રતિભાની ઓળખ રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠાના સર્વે દરમિયાન થઈ હતી. શિક્ષિકા મીનાક્ષીબેન દવેના યોગ્ય માર્ગદર્શન હેઠળ તેણે રમતગમતની દુનિયામાં કદમ મૂક્યા હતા. વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધી તેજલે અનેક મેડલો જીત્યા છે. વર્ષ ૨૦૨૫માં દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં ૧૦૦ મીટર દોડમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ અને વિવિધ નેશનલ ચેમ્પિયનશીપમાં પણ તેણે સુવર્ણ અને રજત ચંદ્રકોની વણઝાર લગાવી છે.
શિક્ષણ અને રમતગમત બંને ક્ષેત્રે મેળવી શ્રેષ્ઠ સિદ્ધિ
તેજલ માત્ર મેદાન પર જ નહીં, પણ અભ્યાસમાં પણ એટલી જ તેજસ્વી છે. તેણે ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની શ્રેણીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હાલમાં તે ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક લાયસન્સ હોલ્ડર છે અને ભારતની ટોચની ૩ પેરા એથ્લેટ્સમાં સ્થાન ધરાવે છે. ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન ૫ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ જીતવાનો તેનો રેકોર્ડ તેની અવિરત મહેનતનો પુરાવો છે.
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીનું બહુમાન
તેજલની આ અદમ્ય હિંમત અને સિદ્ધિઓને બિરદાવતા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વિજયનગર જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવીને આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનો તિરંગો લહેરાવનાર તેજલ આજે અનેક યુવાનો અને દિવ્યાંગો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. તેની આ સફર સાબિત કરે છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય, તો શારીરિક ખામી ક્યારેય સફળતાના આડે આવતી નથી.
