અકસ્માતમાં કારના બોનેટના ઉડી ગયા પરચૂરણ! જાણો ધ ગ્રેટ ખલી સુરક્ષિત છે કે નહીં?
પૂર્વ WWE વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન અને ભારતીય વ્યાવસાયિક રેસલર દલીપ સિંહ રાણા, જેઓ વિશ્વભરમાં ‘ધ ગ્રેટ ખલી’ (The Great Khali) તરીકે જાણીતા છે, તેઓ હરિયાણાના પાનિપત પાસે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.
પાનિપત સ્થિત એક ટોલ પ્લાઝા નજીક તેમની કારનો અકસ્માત થયો હતો. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં તેમના લાખો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, ખલીએ પોતે જ એક વિડીયો મેસેજ જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
ખલીએ વિડીયો જાહેર કરીને શું કહ્યું?
અકસ્માતના વિડીયો વાયરલ થયા બાદ દેશ-વિદેશમાંથી ખલીના ચાહકો અને હિતેચ્છુઓના ફોન અને મેસેજ સતત આવી રહ્યા હતા. પોતાના ચિંતાતુર ફેન્સને શાંત કરવા માટે ખલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વિડીયો શેર કર્યો હતો.
The Great Khali was involved in a car accident today in India.
He left the scene without any injuries. pic.twitter.com/huTfVyVUrS
— FADE (@FadeAwayMedia) August 29, 2026
વિડીયોમાં હિન્દીમાં વાત કરતા ખલીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે મારી કારનો અકસ્માત થયો હતો અને ત્યારથી જ મને લોકોના સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે જેઓ મારા ખબર-અંતર પૂછી રહ્યા છે. પરંતુ હું તમને બધાને કહેવા માગું છું કે બધું બરાબર છે અને હું સંપૂર્ણપણે સ્વસ્થ છું.”
તેમણે આગળ ઉમેર્યું હતું કે શરૂઆતમાં તેઓ આ ઘટના અંગે કોઈ જાહેરાત કરવા માંગતા નહોતા. “આ એક ખૂબ જ નાનો અકસ્માત હતો, તેથી જ હું આ અંગે કોઈને કહેવા માંગતો નહોતો કારણ કે હું આ બાબતને બહુ મોટી બનાવવા નહોતો માંગતો. પરંતુ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ જતાં મેં પોતે જ સ્થિતિ સ્પષ્ટ કરવાનું યોગ્ય માન્યું. આ તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપા છે કે હું સુરક્ષિત છું. તમે બધા પોતાનું ધ્યાન રાખો, જય હિંદ.”
અકસ્માતનો વાયરલ વિડીયો અને ઘટના સ્થળના દ્રશ્યો
સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ટોલ પ્લાઝા પાસે ખલીની સફેદ રંગની એસયુવી (SUV) કાર અન્ય એક કાર સાથે અથડાયેલી જોવા મળે છે. ક્રાંતિકારી ટક્કરને કારણે સામેની કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.
ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ખલી અકસ્માત બાદ કારમાંથી બહાર નીકળીને ચાલીને જઈ રહ્યા છે અને બાદમાં ત્યાં આવેલી એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં બેસી જાય છે. તે ડ્રાઈવર ખલી કારમાં બેસી જાય ત્યાં સુધી રાહ જુએ છે અને પછી તેઓ ત્યાંથી રવાના થઈ જાય છે. આ દ્રશ્યો દર્શાવે છે કે ખલીને કોઈ મોટી ઈજા થઈ નહોતી અને તેઓ પોતાના પગ પર ચાલીને સ્થળ પરથી નીકળી ગયા હતા. ખલીના આ ખુલાસા બાદ તેમના લાખો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે ખલી તાજેતરમાં રિયાલિટી શો ‘ધ ૫૦’ (The 50) માં પણ જોવા મળ્યા હતા.
રેસલિંગ રિંગથી લઈ બોલિવૂડ અને હોલિવૂડ સુધીનો સફર
ધ ગ્રેટ ખલી તરીકે ઓળખાતા દલીપ સિંહ રાણાનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો. તેમણે વર્ષ ૨૦૦૦માં અમેરિકાની ‘ઓલ પ્રો રેસલિંગ’ (All Pro Wrestling) થી પોતાના વ્યાવસાયિક રેસલિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસલિંગ’ (WCW) અને ‘ન્યુ જાપાન પ્રો-રેસલિંગ’ (NJPW) જેવી વિશ્વપ્રસિદ્ધ પ્રોમોશન્સમાં ભાગ લીધો હતો.
વર્ષ ૨૦૦૬ માં તેમણે વિશ્વની સૌથી મોટી રેસલિંગ બ્રાન્ડ WWE (World Wrestling Entertainment) માં પદાર્પણ (Debut) કર્યું હતું. WWE માં જોડાતા જ તેઓ ભારતના સૌથી પ્રખ્યાત અને ઓળખાયેલા ચહેરા બની ગયા હતા.
તેમણે WWE રિંગમાં રેસલિંગ જગતના દિગ્ગજ નામો જેવા કે ધ અંડરટેકર (The Undertaker), જોન સીના (John Cena), બટિસ્ટા (Batista) અને ટ્રિપલ એચ (Triple H) સાથે યાદગાર મુકાબલાઓ કર્યા હતા. ખલીએ WWE ના સૌથી મોટા વાર્ષિક ઈવેન્ટ્સ જેવા કે ‘રેસલમેનિયા’ (WrestleMania) અને ‘સમરસ્લેમ’ (SummerSlam) માં પણ પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.
