સુરતના ફેમસ ‘ટમેટાના પકોડા’: નાસ્તામાં બનાવો આ ચટાકેદાર વાનગી, આંગળા ચાટતા રહી જશો!
સવારની ચા હોય કે સાંજનો નાસ્તો, ગરમાગરમ પકોડા હંમેશા દરેકના ફેવરિટ હોય છે. ટમેટાના પકોડા બનાવવાની રીત સામાન્ય પકોડા કરતા થોડી અલગ છે, કારણ કે તેમાં ટમેટાની અંદર બટાકાનું મસાલેદાર સ્ટફિંગ ભરવામાં આવે છે. આ વાનગી જેટલી દેખાવમાં સુંદર છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ છે.
જરૂરી સામગ્રી
- ટમેટા: 500 ગ્રામ (મધ્યમ કદના અને કડક ટમેટા લેવા)
- બટાકા: 4-5 (બાફેલા)
- બેસન: 2 કપ (ઘોળ બનાવવા માટે)
- ડુંગળી: 2 નંગ (ઝીણી સમારેલી)
- મસાલા: આખું ધાણા, વરિયાળી, જીરું, હીંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર.
- અન્ય: આદુ-મરચાની પેસ્ટ, કસૂરી મેથી, મીઠું, સંચળ, તેલ અને લીલા ધાણા.
બનાવવાની રીત (સ્ટેપ-બાય-સ્ટેપ)
સ્ટેપ 1: બટાકાનું સ્વાદિષ્ટ સ્ટફિંગ તૈયાર કરો
સૌ પ્રથમ એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આખા ધાણા (અધકચરા કરેલા) અને વરિયાળી ઉમેરો. હવે તેમાં હીંગ, ઝીણી સમારેલી લીલી મરચી અને છીણેલું આદુ નાખી સાંતળો. આ મસાલામાં 2 ચમચી બેસન ઉમેરીને થોડો શેકો, જેનાથી સ્ટફિંગમાં સરસ બાઈન્ડિંગ આવશે. હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું અને કસૂરી મેથી ઉમેરો. છેલ્લે સમારેલી ડુંગળી નાખી તેને નરમ થાય ત્યાં સુધી પકાવો. હવે બાફેલા બટાકાને હાથથી મેશ કરીને મસાલામાં ઉમેરો. ઉપરથી મીઠું, સંચળ, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખી બરાબર મિક્સ કરો અને લીલા ધાણા ઉમેરી મિશ્રણને ઠંડુ થવા દો.
સ્ટેપ 2: ટમેટાને તૈયાર કરો
પકોડા બનાવવા માટે હંમેશા લાલ પણ કડક (ટાઈટ) ટમેટા પસંદ કરો. ટમેટાને ધોઈને કોરા કરી લો. હવે ટમેટાના ઉપરના ભાગે (ડીંટડી તરફ) પીલર અથવા ચપ્પુની મદદથી નાનું કાણું પાડો અને અંદરનો બધો ગરભ (પલ્પ) કાઢી લો. ધ્યાન રાખવું કે ટમેટું ફાટી ન જાય. હવે તૈયાર કરેલું બટાકાનું સ્ટફિંગ ચમચીની મદદથી ટમેટામાં ચપોચપ ભરી દો.
સ્ટેપ 3: બેસનનું ઘોળ (બેટર) બનાવો
એક વાસણમાં બેસન લો. તેમાં મીઠું, અજમો (હાથથી મસળીને), હીંગ, હળદર અને થોડું લાલ મરચું ઉમેરો. જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ઘોળ તૈયાર કરો. આ ઘોળ બહુ પાતળું ન હોવું જોઈએ, નહિતર ટમેટા પર તે ટકશે નહીં. ઘોળને 10 મિનિટ સેટ થવા દો અને છેલ્લે 2 ચપટી ખાવાનો સોડા ઉમેરી બરાબર હલાવી લો.
સ્ટેપ 4: પકોડા તળવાની રીત
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ કરી દો. હવે સ્ટફિંગ ભરેલા ટમેટાને બેસનના ઘોળમાં બરાબર બોળીને તેલમાં મૂકો. પકોડાને બધી બાજુથી સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. ટમેટાની અંદરનો ભાગ પણ થોડો નરમ થાય ત્યાં સુધી તેને તળવા.
પીરસવાની રીત
તૈયાર થયેલા ગરમાગરમ પકોડાને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરો. તેના પર ઉપરથી થોડી ઝીણી સેવ અને ચાટ મસાલો છાંટો. આ પકોડાને લીલી ચટણી અથવા ખજૂર-આમલીની ચટણી સાથે સર્વ કરો.
ખાસ ટિપ્સ:
- ટમેટાની પસંદગી: જો ટમેટા પોચા હશે તો તળતી વખતે તે આકાર ગુમાવી દેશે અને સ્ટફિંગ બહાર આવી જશે, તેથી હંમેશા કડક ટમેટા જ લેવા.
- ઠંડા બટાકા: બટાકાના મસાલાને ટમેટામાં ભરતા પહેલા તેને પૂરેપૂરો ઠંડો થવા દો, નહીંતર ટમેટા પાણી છોડશે.
- બેસનનું પડ: જો બેસનનું પડ ટમેટા પર બરાબર ન ચડતું હોય, તો ટમેટા પર થોડો સૂકો લોટ છાંટીને પછી ઘોળમાં બોળવા.

