સાબરકાંઠામાં આકાશી આફત: પોશીનામાં વીજળી પડતા 18 વર્ષીય યુવકનું કરુણ મોત
સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દાંતિયા ગામે કુદરતે કાળો કેર વર્તાવ્યો છે. ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી પડતા એક 18 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ઘર પાસે ઉભેલા યુવક પર વીજળી ત્રાટકી
મળતી માહિતી મુજબ, દાંતિયા ગામે વરસાદી વાતાવરણ હતું. આ દરમિયાન યુવક ઘરની નજીક ઉભો હતો, ત્યારે જ અચાનક વીજળીનો જોરદાર આંચકો તેને લાગ્યો હતો. વીજળીના સીધા પ્રહારને કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
વેકેશન માણવા મામાના ઘરે આવ્યો હતો યુવક
મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય વિક્રમભાઈ માલજીભાઇ તરાલ તરીકે થઈ છે. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના સનાલી ગામનો વતની હતો. યુવક હાલ વેકેશન હોવાથી પોતાના મામાના ઘરે દાંતિયા ગામ ખાતે રહેવા આવ્યો હતો. પરિવારને કલ્પના પણ નહોતી કે વેકેશન માણવા આવેલો તેમનો દીકરો આ રીતે કાયમ માટે તેમની વચ્ચેથી વિદાય લઈ લેશે.
પરિવાર અને ગામમાં શોકની લાગણી
અચાનક બનેલી આ કરુણ ઘટનાથી મામાના પરિવાર અને સનાલી ગામમાં ભારે આઘાતનું મોજું ફરી વળ્યું છે. હસતા-રમતા યુવકના આ રીતે અચાનક નિધનથી સ્વજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આકાશી આફતને કારણે એક યુવાન દીકરો ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

