IPL 2027 પહેલાં મોટો ઝટકો, ટ્રેવિસ હેડ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું કારણ શું?
IPL 2027 શરૂ થાય તે પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ટ્રાવિસ હેડ આગામી IPL સીઝનમાં રમતા જોવા મળશે નહીં. ખાસ વાત એ છે કે ટ્રાવિસ હેડને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય ફ્રેન્ચાઇઝી દ્વારા નહીં, પરંતુ ખુદ ખેલાડી દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમ અને સતત વધતા કાર્યભારને ધ્યાનમાં રાખીને હેડે IPL 2027માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયથી સનરાઇઝર્સ હૈદરાબાદની સફળ ઓપનિંગ જોડી તૂટી જશે. હવે આગામી સીઝનમાં અભિષેક શર્મા સાથે ટ્રાવિસ હેડની આક્રમક બેટિંગ જોવા મળશે નહીં.
ટ્રાવિસ હેડ છેલ્લાં કેટલાંક વર્ષોથી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યા છે. અભિષેક શર્મા સાથે મળીને તેમણે ટીમને ઘણી વખત ઝડપી શરૂઆત અપાવી છે. બંનેની આક્રમક બેટિંગ વિરોધી ટીમના બોલરો માટે મુશ્કેલી ઊભી કરતી હતી. તેથી આગામી સીઝન પહેલાં હેડનું IPLમાંથી દૂર થવું SRH માટે મોટો પડકાર બની શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને કારણે લીધો નિર્ણય
ટ્રાવિસ હેડ IPL 2027માં કેમ નહીં રમે, તેની પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાનો વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમ હોવાનું કહેવાય છે. ESPNcricinfoના અહેવાલ મુજબ, હેડ પોતાના કાર્યભારનું યોગ્ય સંચાલન કરવા માગે છે. સતત આંતરરાષ્ટ્રીય મેચો અને મોટી ટેસ્ટ શ્રેણીઓને ધ્યાનમાં રાખીને તેમણે IPLની આગામી સીઝનથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.
17 નવેમ્બર IPL 2027 માટે તમામ ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન્શન લિસ્ટ જમા કરાવવાની અંતિમ તારીખ છે. આ જાહેરાત પહેલાં જ ટ્રાવિસ હેડના IPLમાંથી ખસી જવાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, તેમને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા રિલીઝ કરવામાં આવશે અને તેઓ ડિસેમ્બરમાં યોજાનારી IPL હરાજીમાં પણ ભાગ લેશે નહીં.
હેડનો આ નિર્ણય તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાને ભારત, ઈંગ્લેન્ડ સહિતના મહત્ત્વપૂર્ણ ક્રિકેટ પ્રવાસોમાં ભાગ લેવાનો છે. આ ઉપરાંત વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે ફિટનેસ જાળવવી અને કાર્યભારનું યોગ્ય સંચાલન કરવું જરૂરી બની જાય છે.
14 કરોડ રૂપિયાના ખેલાડીને છોડવાથી SRHને મળશે ફાયદો
ટ્રાવિસ હેડ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 14 કરોડ રૂપિયાના કરાર સાથે રમી રહ્યા હતા. હવે તેઓ આગામી સીઝનમાંથી ખસી જતાં ટીમ પાસે આ રકમનો ઉપયોગ અન્ય ખેલાડીઓ માટે કરવાની તક રહેશે. જોકે, આર્થિક રીતે ટીમને ફાયદો થઈ શકે છે, પરંતુ મેદાન પર હેડની ગેરહાજરીની ભરપાઈ કરવી સરળ નહીં હોય.
હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ IPLમાં આક્રમક બેટિંગથી અલગ ઓળખ બનાવી હતી. બંને બેટ્સમેનો પાવરપ્લેમાં જ વિરોધી ટીમ પર દબાણ ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે. હવે હેડ ઉપલબ્ધ નહીં હોવાથી SRHએ નવા ઓપનિંગ બેટ્સમેનની શોધ કરવી પડશે અથવા ટીમમાં રહેલા અન્ય ખેલાડીને આ જવાબદારી સોંપવી પડશે.આ ઉપરાંત, રિટેન્શન પ્રક્રિયા દરમિયાન અન્ય ખેલાડીઓને પણ રિલીઝ કરવામાં આવે તો ટીમનું હરાજી બજેટ વધુ વધી શકે છે. આ રકમનો ઉપયોગ સારો ઓપનર, ઝડપી બોલર અથવા મિડલ ઓર્ડરના મજબૂત બેટ્સમેનને ખરીદવા માટે થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાનું વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ, હેડ માટે આરામ પણ જરૂરી
આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટ કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેવાનો છે. IPL પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે આવશે, જ્યાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. આ શ્રેણી બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ રહેશે.ત્યારબાદ IPL માર્ચના અંતથી મે મહિના સુધી યોજાવાની છે. જૂન મહિનામાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. જોકે, આ ફાઇનલમાં કઈ બે ટીમો રમશે તે હજુ નક્કી થયું નથી. ઓસ્ટ્રેલિયા આ સ્પર્ધામાં મજબૂત દાવેદાર છે.
જૂનથી ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત એશિઝ ટેસ્ટ શ્રેણી રમશે. આ ઉપરાંત વર્ષના અંતમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન 2027નો વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે.આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ટ્રાવિસ હેડ માટે પોતાની ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ રહેશે. તેથી IPL 2027માંથી ખસી જવાનો તેમનો નિર્ણય લાંબા ગાળાની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.
