યુદ્ધ વચ્ચે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો: 50,000 એપસ્ટીન ફાઇલ્સ થશે જાહેર, એટર્ની જનરલ ખોલશે રાઝ
અમેરિકાના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. ન્યાય વિભાગે (Department of Justice) જેફરી એપસ્ટીન કેસ સાથે જોડાયેલા એવા 50,000 દસ્તાવેજો જાહેર કરવાનો નિર્ણય લીધો છે જે અત્યાર સુધી ગાયબ હોવાનું કહેવાતું હતું. આ દસ્તાવેજો જાહેર થવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલી વધી શકે છે, કારણ કે ભૂતકાળમાં તેમના નામ આ કેસ સાથે જોડાયેલા હોવાના દાવા થયા છે.
50,000 દસ્તાવેજોમાં શું છુપાયેલું છે?
અહેવાલ મુજબ, ન્યાય વિભાગ પાસે એપસ્ટીન ફાઇલ્સ સાથે જોડાયેલા કુલ 6 લાખ દસ્તાવેજો છે. જેમાંથી અત્યાર સુધી માત્ર 3 લાખ જ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ બાકીના દસ્તાવેજો બહાર પાડવા અનિવાર્ય બન્યા છે.
આગામી સપ્તાહ સુધીમાં જે 50,000 ફાઇલ્સ જાહેર થવાની છે, તે અગાઉ ગુમ હોવાનું જણાવાયું હતું. પરંતુ અમેરિકી કોંગ્રેસના સાંસદોની કડકાઈ બાદ વિભાગે તેને સાર્વજનિક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ફાઇલ્સમાં ટ્રમ્પ અને જાતીય શોષણના આરોપી જેફરી એપસ્ટીન વચ્ચેના સંબંધો અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની આશંકા છે.
એટર્ની જનરલ પોમ બોન્ડી સામે કડક કાર્યવાહી
બીજો મોટો ફટકો એટર્ની જનરલ પોમ બોન્ડીને મળેલી નોટિસ છે. બોન્ડી પર આરોપ છે કે તેમણે ગાયબ થયેલા દસ્તાવેજો અંગે તપાસ સમિતિને ગેરમાર્ગે દોરી હતી. હવે તેમને અમેરિકી હાઉસ (Congress) સમક્ષ હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવી છે.
નોંધનીય છે કે આ નોટિસ મોકલવા માટે હાઉસમાં મતદાન થયું હતું, જેમાં 24 સભ્યોએ નોટિસની તરફેણમાં અને 19 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. હવે બોન્ડીએ કમિટીના દરેક પ્રશ્નનો જવાબ આપવો પડશે. જો તેઓ સત્ય છુપાવશે અથવા જવાબ નહીં આપે, તો તેમની સામે સખત કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
ટ્રમ્પ અને એપસ્ટીનનું જોડાણ
ડોનાલ્ડ ટ્રમ્પ એક સમયે જેફરી એપસ્ટીનના મિત્ર વર્તુળમાં હતા, જે પાછળથી જાતીય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. જોકે ટ્રમ્પે હંમેશા કોઈ પણ ખોટા કામમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ હવે જ્યારે 50,000 નવા દસ્તાવેજો અને પોમ બોન્ડીની પૂછપરછ એકસાથે થવા જઈ રહી છે, ત્યારે વ્હાઇટ હાઉસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે એક તરફ ઈરાન સાથેનું યુદ્ધ અને બીજી તરફ ઘરઆંગણે આ કાયદાકીય જંગ ટ્રમ્પની છબી અને સત્તા બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.

