અમેરિકી સેનામાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે 42 વર્ષ સુધીના નાગરિકો જોડાઈ શકશે
ઈરાન સાથેના સંભવિત યુદ્ધની અટકળો વચ્ચે ટ્રમ્પ સરકારે સેનામાં ભરતી માટેની વય મર્યાદામાં મોટો વધારો કર્યો છે. અત્યાર સુધી માત્ર 35 વર્ષ સુધીના અમેરિકી નાગરિકો જ સેનામાં જોડાઈ શકતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 42 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને સેનામાં સામેલ કરવાનો છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આનાથી અમેરિકી સૈનિકોની સરેરાશ ઉંમર (જે હાલમાં 29 વર્ષ છે) તેમાં વધારો થઈ શકે છે.
નશાના કેસમાં સંડોવાયેલા યુવાનો માટે નિયમોમાં રાહત
પેન્ટાગોન દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, ડ્રગ્સ અથવા નશાના કેસોમાં સંડોવાયેલા લોકો માટેના કડક નિયમો હળવા કરવામાં આવ્યા છે. અગાઉ જો કોઈ વ્યક્તિ પાસેથી ચરસ કે ગાંજો મળી આવે તો તેને સેનામાં પ્રવેશ મેળવવો અત્યંત મુશ્કેલ હતો.
નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ પર ચરસ કે ગાંજાના વેચાણ અથવા સેવનનો માત્ર એક જ કેસ હોય, તો તેને સેનામાં ભરતી થવા માટે અગાઉની જેમ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. અગાઉ આવા કેસમાં દોષિત ઠરેલી વ્યક્તિએ પેન્ટાગોન પાસેથી વિશેષ પરવાનગી લેવી પડતી હતી અને 24 મહિના સુધી રાહ જોવી પડતી હતી. હવે આ પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે.
ફરજિયાત સૈન્ય ભરતીનો પ્રસ્તાવ
અમેરિકા હવે 18 થી 25 વર્ષની વયના યુવાનો માટે ફરજિયાત સૈન્ય સેવા (Mandatory Military Service) લાગુ કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. જોકે આ પ્રસ્તાવ હજુ અમલી બન્યો નથી, પરંતુ ચર્ચા છે કે આગામી સમયમાં લોટરી અથવા જન્મ તારીખના આધારે યુવાનોને સેનામાં સેવા આપવા માટે બોલાવવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સૈન્ય સંખ્યામાં ઝડપથી વધારો કરવાનો છે.
શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
અમેરિકા હાલમાં સૈનિકોની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2022-23ના આંકડા મુજબ, સેનામાં ભરતીનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તેના કરતા 1 લાખ ઓછા લોકો જોડાયા હતા. જો આ સ્થિતિ ચાલુ રહે તો ભવિષ્યમાં અમેરિકાની સૈન્ય ક્ષમતા નબળી પડી શકે છે. ગ્લોબલ ફાયર પાવર મુજબ, હાલમાં અમેરિકા પાસે કુલ 28 લાખ સૈનિકો છે, જેમાં 13 લાખ સક્રિય અને 15 લાખ રિઝર્વ ફોર્સમાં છે.

