ટ્રમ્પ અને મેલોની વચ્ચે ‘ઈગો વોર’: G7 સમિટના એક ફોટા પરથી શરૂ થયેલો વિવાદ હવે નાટો બેઠક પહેલાં ચરમસીમાએ; ઇટાલીએ આપ્યો કડક જવાબ
વૈશ્વિક રાજકારણમાં ક્યારેક નેતાઓ વચ્ચેનો અંગત અહંકાર બે દેશોના રાજદ્વારી સંબંધો પર ભારે પડી જતો હોય છે. હાલમાં આવું જ કંઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે જોવા મળી રહ્યું છે. બંને નેતાઓ જમણેરી (Right-wing) વિચારધારામાંથી આવતા હોવા છતાં, તેમની વચ્ચેની કડવાશ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. સોમવારે આ વિવાદે ત્યારે નવો વળાંક લીધો જ્યારે ટ્રમ્પે મેલોની પર સોશિયલ મીડિયા પર સીધો હુમલો કર્યો અને ઇટાલીએ તેના પર અત્યંત તીખી પ્રતિક્રિયા આપી.
ટ્રમ્પની ‘ટ્રુથ સોશિયલ’ પોસ્ટથી ભડકો: “નિયંત્રણ હુકમ જરૂરી”
વિવાદની તાજી કડીમાં, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જ્યોર્જિયા મેલોની અને પોતાની એક કથિત તસવીર શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું: “રેસ્ટ્રેઈનિંગ ઓર્ડર (નિયંત્રણ હુકમ) જરૂરી છે.” ટ્રમ્પનો ઈશારો એવો હતો કે મેલોની તેમની ખૂબ નજીક આવવાનો કે ફોટો પડાવવાનો પ્રયાસ કરી રહી છે, જેની સામે તેમને કાનૂની આડશની જરૂર છે.

ટ્રમ્પના આ અપમાનજનક ટોણા પર ઇટાલી સરકારના મંત્રીઓ લાલચોળ થઈ ગયા છે અને તેમણે અમેરિકાને અરીસો બતાવવાનું શરૂ કર્યું છે.
“લોકો આવે છે અને જાય છે…”: ઇટાલીનો સણસણતો જવાબ
ટ્રમ્પની આ પોસ્ટ બાદ ઇટાલીના સંરક્ષણ પ્રધાન ગાઇડો ક્રોસેટોએ ન્યૂઝ ચેનલ સ્કાય TG24 સાથેની વાતચીતમાં ટ્રમ્પને આડકતરો ટોણો મારતા કહ્યું, “લોકો (નેતાઓ) આવે છે અને જાય છે, પરંતુ દેશો વચ્ચેના સંબંધો હંમેશા ટકી રહેવા જોઈએ.” તેમનો સ્પષ્ટ સંકેત હતો કે સત્તા બદલાતી રહે છે અને કોઈ પણ નેતા કાયમી નથી હોતો.
બીજી તરફ, ઇટાલીના વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાનીએ પણ આ મુદ્દે મૌન પરંતુ મક્કમ પ્રતિક્રિયા આપી છે. સમાચાર એજન્સી AFP ના અહેવાલ મુજબ, તાજાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટ્રાન્સએટલાન્ટિક (અમેરિકા અને યુરોપ વચ્ચેના) સંબંધો કોઈ નેતાની વ્યક્તિગત ટિપ્પણીઓથી પ્રભાવિત ન થઈ શકે એટલા મજબૂત છે. જો કે, વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતે આ પોસ્ટ પર હજી સુધી કોઈ સીધો જવાબ આપ્યો નથી.
ફ્રાન્સની G7 સમિટ: જ્યાંથી આ ‘ઝઘડા’ની શરૂઆત થઈ
બંને નેતાઓ વચ્ચે આ ખટરાગ ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ (Evian-les-Bains) માં યોજાયેલી G7 સમિટ દરમિયાન શરૂ થયો હતો, જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક દિગ્ગજો હાજર હતા.
સમિટ પૂરી થયા બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીડિયા સામે એવો દાવો કર્યો હતો કે મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે “ભીખ માંગી રહી હતી”. ઇટાલિયન ટેલિવિઝન ચેનલ La7 ના ટ્રાન્સક્રિપ્ટ અનુસાર, ટ્રમ્પે અહંકારભર્યા લહેકામાં કહ્યું હતું, “તેણી મારી સાથે ફોટો પડાવવા માટે મરી પડતી હતી. આખરે મને તેના પર દયા આવી એટલે હું ફોટો માટે સંમત થયો. કદાચ તેણી ખુશ છે કે મેં તેની સાથે વાત કરી, બાકી મારે તેની સાથે વાત કરવાની કોઈ જરૂર નહોતી.”

મેલોનીનો પલટવાર: “ઇટાલી ભીખ માંગતું નથી”
ટ્રમ્પના આ નિવેદનથી ઇટાલીના વડા પ્રધાન ભારે નારાજ થયા હતા. તેમણે ટ્રમ્પના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢતા વળતો પ્રહાર કર્યો હતો કે, “ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનો તદ્દન ખોટા અને મનઘડંત છે. હું આશ્ચર્યચકિત છું કે યુએસ પ્રમુખ પોતાના સાથી દેશોના નેતાઓ સાથે આવું વર્તન કેમ કરે છે.”
મેલોનીએ વધુમાં કડક શબ્દોમાં ઉમેર્યું હતું કે, “તેમણે (ટ્રમ્પે) એક વાત યાદ રાખવી જોઈએ કે ઇટાલી અને હું ક્યારેય કોઈની સામે ભીખ માંગતા નથી.” મેલોનીએ ટ્રમ્પને સલાહ પણ આપી દીધી હતી કે તેઓ બીજાની ચિંતા કરવાને બદલે અમેરિકામાં પોતાના ઘટતા જતા અપ્રુવલ રેટિંગ્સ (લોકપ્રિયતા) પર ધ્યાન આપે.