અભિવ્યક્તિની સ્વતંત્રતા કે ધમકી? ICE ના પૂર્વ ડિરેક્ટરને ઈમેલ કરવા બદલ અમેરિકન નાગરિકે એજન્સી પર ઠોક્યો દાવો!
અમેરિકામાં લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા (First Amendment) હંમેશાથી એક મોટો મુદ્દો રહ્યા છે. તાજેતરમાં ન્યૂ યોર્કના એક નાગરિક અને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વચ્ચેનો એક આવો જ મામલો કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. ન્યૂ યોર્કના અપસ્ટેટ વિસ્તારના રહેવાસી ડેવિડ સ્ટ્રીવરે એજન્સીના પૂર્વ વડાને મોકેલા એક ઈમેલ બદલ તેમની પાછળ ફેડરલ એજન્ટો લગાડી દેવા બદલ અને ઘરે ધમકીભરી નોટિસ મોકલવા બદલ ICE સામે કાનૂની મોરચો ખોલ્યો છે.
સ્ટ્રીવરનો આરોપ છે કે એજન્સીએ તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય રાજકીય વિરોધને ‘ગુનાહિત ધમકી’ તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો છે.
શું હતો સમગ્ર વિવાદ? જેની પાછળ એજન્ટો દોડ્યા
આ વિવાદની શરૂઆત જાન્યુઆરી મહિનામાં થઈ હતી. મિનિયાપોલિસમાં ICE વિરોધી એક પ્રદર્શન દરમિયાન ઇમિગ્રેશન અધિકારીએ રેની ગુડ નામની વ્યક્તિને ગોળી મારી દીધી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા અમેરિકન નાગરિક ડેવિડ સ્ટ્રીવરે ICE ના તત્કાલીન કાર્યકારી નિર્દેશક ટોડ લિયોન્સને એક ઈમેલ મોકલ્યો હતો.

જૂન મહિનામાં જ્યારે સ્ટ્રીવર ફિનલેન્ડના પ્રવાસે હતા, ત્યારે બે ફેડરલ અધિકારીઓ રોચેસ્ટર સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે સ્ટ્રીવરની પત્નીને એક સત્તાવાર ચેતવણી નોટિસ સોંપી, જેમાં જણાવાયું હતું કે સ્ટ્રીવરે મોકલેલો ઈમેલ એક ગંભીર ‘ધમકી’ સમાન છે. આટલું જ નહીં, જ્યારે સ્ટ્રીવર વિદેશ પ્રવાસથી પરત ફર્યા, ત્યારે ફેડરલ એજન્ટોએ ન્યૂ યોર્ક સિટીની એક હોટલમાં પણ તેમનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોટલ સ્ટાફે તેમને અટકાવ્યા હતા.
ઈમેલમાં એવું તે શું લખ્યું હતું?
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, સ્ટ્રીવરે મોકલેલા ત્રણ ફકરાના ઈમેલનો વિષય (Subject Line) “આગળ શું છે” (What’s next) હતો. આ ઈમેલમાં નાઝી જર્મનીના ક્રૂર નેતા રેઈનહાર્ડ હેડ્રિચનો ઉલ્લેખ કરીને ટોડ લિયોન્સની આકરી ટીકા કરવામાં આવી હતી. ઈમેલમાં લખ્યું હતું:
“તમે એક રાક્ષસી માનવી છો અને ઇતિહાસમાં અમેરિકાના રેઈનહાર્ડ હેડ્રિચ (કસાઈ) તરીકે નોંધાશો. જે રીતે તમે મિનેસોટામાં થયેલી સ્પષ્ટ ફાંસીની સજાનો બચાવ કરી રહ્યા છો, તે જ તમારા પતન તરફ દોરી જશે… તમે ક્યારેય શાંતિ જાણી શકશો નહીં. પૃથ્વી પર તમારા છેલ્લા દિવસ સુધી તમે પોતાની જાતને ત્રાસ આપશો.”
સ્ટ્રીવરના વકીલોનું કહેવું છે કે આ ભાષા કઠોર ચોક્કસ હોઈ શકે, પરંતુ આમાં ક્યાંય કોઈ શારીરિક હિંસા કે હુમલાની સીધી ધમકી નહોતી. આ માત્ર એક સરકારી અધિકારીની કામગીરી પ્રત્યેનો આક્રોશ અને રાજકીય ભાષણ હતું.
પ્રથમ સુધારા (First Amendment) ના અધિકારનું ઉલ્લંઘન
ફિલાડેલ્ફિયા સ્થિત ફેડરલ સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિવિઝ્યુઅલ રાઈટ્સ એન્ડ એક્સપ્રેશન’ (FIRE) કોર્ટમાં ડેવિડ સ્ટ્રીવરનું પ્રતિનિધિત્વ કરી રહી છે. સંસ્થાના એટર્ની એડમ સ્ટેઈનબોએ વોશિંગ્ટન ડી.સી.ની ફેડરલ કોર્ટમાં આ મુકદ્દમો દાખલ કરતા જણાવ્યું કે, “આ કેસ ખૂબ જ સ્પષ્ટપણે બંધારણના પ્રથમ સુધારા હેઠળ સુરક્ષિત છે. આ સંપૂર્ણપણે રાજકીય ક્ષેત્રની ભાષા હતી અને સરકાર પોતાના વિવેચકોને ડરાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં.”

આ કેસમાં હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્કવેન મુલિનનું નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. જો કે, ચાલુ તપાસનું બહાનું ધરીને ICE કે હોમલેન્ડ સિક્યુરિટી તરફથી આ અંગે કોઈ તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ એજન્સીએ અગાઉ કહ્યું હતું કે, “ICE તેના અધિકારીઓ અને કર્મચારીઓ સામે આવતી તમામ સિક્યોરિટી થ્રેટ્સને ગંભીરતાથી લે છે અને તેની તપાસ કરે છે.”
માત્ર સ્ટ્રીવર નહીં, અન્ય લોકો પણ નિશાના પર!
આશ્ચર્યની વાત એ છે કે ન્યૂ યોર્કના અપસ્ટેટ વિસ્તારમાં જૂન મહિના દરમિયાન આવી ઓનલાઈન ટીકા કરવા બદલ ચેતવણી મેળવનાર સ્ટ્રીવર એકમાત્ર નાગરિક નથી. ન્યૂ યોર્ક પ્રાઇમરી ચૂંટણી દરમિયાન મતદાન મથક પર કામ કરતી પેજેલીન ગોનૈયા નામની મહિલા કર્મચારીને પણ આવા જ આકરા અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું.
ગોનૈયાએ સોશિયલ મીડિયા પર રેની ગુડને ગોળી મારનાર ICE અધિકારી જોનાથન રોસની તસવીર સાથે પોસ્ટ મૂકી હતી કે, “મને લાગે છે કે આજે જોનાથન પર આરોપ લગાવવાનો દિવસ છે.” હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તા લોરેન બિસે આક્ષેપ કર્યો હતો કે ગોનૈયાએ તે અધિકારીનું ઘરનું સરનામું ઓનલાઈન લીક (Doxxing) કરીને ફેડરલ ગુનો કર્યો છે. બિસે ચેતવણી આપી હતી કે, “જો તમે અમારા અધિકારીઓ સાથે રમત કરશો, તો ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.”