ટ્રમ્પનો મોટો આદેશ: હોર્મુઝમાં તેલના ટેન્કરોને સુરક્ષા આપશે અમેરિકી નૌકાદળ!
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવ અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો અને આક્રમક નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ વ્યાપારને સુરક્ષિત રાખવા માટે “તાત્કાલિક પગલાં” લેશે. આમાં રોકાણકારો માટે પોલિટિકલ રિસ્ક ઇન્શ્યોરન્સ (રાજકીય જોખમ વીમો) આપવા અને જો જરૂર પડે તો સ્ટેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી પસાર થતા ટેન્કરોને નૌકાદળ દ્વારા સુરક્ષા (Escort) પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
ટ્રમ્પનો ‘ઇમીડિયેટ’ ઓર્ડર: વીમો અને નાણાકીય સુરક્ષા
પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે તેમણે ‘યુનાઇટેડ સ્ટેટ્સ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન’ (DFC) ને તાત્કાલિક અસરથી તમામ દરિયાઈ વ્યાપાર, ખાસ કરીને ઉર્જા (Energy) વહન કરતા જહાજો માટે ખૂબ જ વ્યાજબી કિંમતે રાજકીય જોખમ વીમો અને ગેરંટી આપવાનો આદેશ આપ્યો છે.
“Effective IMMEDIATELY, I have ordered the United States Development Finance Corporation (DFC) to provide, at a very reasonable price, political risk insurance and guarantees for the Financial Security of ALL Maritime Trade… If necessary, the United States Navy will begin… pic.twitter.com/pIJyFwL78j
— The White House (@WhiteHouse) March 3, 2026
તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે ખાનગી વીમા કંપનીઓએ આ વિસ્તારમાં જહાજોને વીમો આપવાનું બંધ કરી દીધું છે અથવા પ્રીમિયમમાં જંગી વધારો કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી શિપિંગ લાઈનોને આર્થિક સુરક્ષા મળશે અને તેઓ જોખમી હોવા છતાં આ માર્ગ પરથી માલસામાનની અવરજવર ચાલુ રાખી શકશે. આ પગલું ખાસ કરીને તેલના ભાવને સ્થિર કરવા માટે લેવામાં આવ્યું હોવાનું મનાય છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી નૌકાદળનું ‘એસ્કોર્ટ’ ઓપરેશન
ટ્રમ્પની જાહેરાતનો સૌથી મહત્વનો ભાગ એ હતો કે તેમણે અમેરિકી નૌકાદળ (US Navy) ને સ્ટેટ ઓફ હોર્મુઝમાં તેલના ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જો જરૂર પડશે તો અમેરિકી નૌકાદળ શક્ય તેટલી વહેલી તકે ટેન્કરોને એસ્કોર્ટ કરવાનું શરૂ કરશે.”
સ્ટેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% ભાગ પસાર થાય છે. ઈરાને આ માર્ગ બંધ કરવાની ધમકી આપી છે અને છેલ્લા ચાર દિવસથી અહીં જહાજોની અવરજવર લગભગ ઠપ્પ છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, “ગમે તે સંજોગોમાં, અમેરિકા વિશ્વમાં ઉર્જાનો મુક્ત પ્રવાહ (Free Flow of Energy) સુનિશ્ચિત કરશે.” તેમણે અમેરિકાની આર્થિક અને લશ્કરી તાકાતને વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાવી હતી.
વૈશ્વિક તેલ બજાર અને ભારત પર તેની અસર
આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઈરાની દળોએ અખાતમાં કેટલાક ટેન્કરો પર હુમલો કર્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ખાસ કરીને એક ટેન્કરમાં 15 ભારતીય નાગરિકો સહિત 20 ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારત માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ પશ્ચિમ એશિયાના દેશોમાંથી આ જ માર્ગે મંગાવે છે. જો હોર્મુઝની સામુદ્રધુની લાંબો સમય બંધ રહે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ટ્રમ્પના આ હસ્તક્ષેપથી બજારમાં થોડો આત્મવિશ્વાસ પાછો આવી શકે છે, પરંતુ નૌકાદળના કાફલા સાથે જહાજો પસાર કરવા એ અત્યંત જોખમી અને સંઘર્ષ વધારનારી પ્રક્રિયા સાબિત થઈ શકે છે.
અમેરિકાના આ આક્રમક વલણથી પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી શકે છે અથવા તો ઈરાન પર દબાણ વધારીને તેલનો પુરવઠો ફરી શરૂ કરાવી શકાય છે. આગામી દિવસોમાં અમેરિકા આ બાબતે કયા વધુ પગલાં લે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.