TVSની ગાડીઓ ખરીદવા માટે ગ્રાહકોની પડાપડી: આ મોડલ સાબિત થયું કંપની માટે ‘ગેમચેન્જર’
ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં જાણીતું નામ એવી TVS મોટર કંપની માટે ફેબ્રુઆરી 2026નો મહિનો ખૂબ જ શાનદાર રહ્યો છે. કંપનીએ વેચાણમાં વાર્ષિક ધોરણે 32.4%ની જોરદાર વૃદ્ધિ નોંધાવી છે. ફેબ્રુઆરીમાં કંપનીએ કુલ 3,65,471 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળામાં થયેલા 2.76 લાખ યુનિટ્સના વેચાણ કરતા ઘણું વધારે છે. જોકે, જાન્યુઆરી મહિનાની સરખામણીએ ફેબ્રુઆરીમાં વેચાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, છતાં વાર્ષિક ગ્રોથના આંકડા ઉત્સાહજનક છે.
TVS Jupiter અને Apacheનો દબદબો
જો મોડલ વાઈઝ વાત કરીએ તો, TVS Jupiter ફરી એકવાર કંપનીનું સૌથી વધુ વેચાતું સ્કૂટર સાબિત થયું છે. ફેબ્રુઆરી 2026માં જ્યુપિટરના 1,27,089 યુનિટ્સ વેચાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 22.7%નો વધારો દર્શાવે છે. બીજા નંબરે TVSની પોપ્યુલર સ્પોર્ટ્સ બાઇક સીરીઝ ‘Apache’ રહી છે. એપાચેના વેચાણમાં પણ 19%નો ઉછાળો જોવા મળ્યો છે અને કુલ 45,166 યુનિટ્સ ગ્રાહકોએ ખરીદ્યા છે. આ આંકડા દર્શાવે છે કે શહેરી અને યુવા ગ્રાહકોમાં હજુ પણ TVSનો ક્રેઝ અકબંધ છે.
ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં iQube બની ‘ગેમચેન્જર’
વર્તમાન સમયમાં જ્યારે લોકો ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે, ત્યારે TVS iQube કંપની માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયું છે. ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં iQube એ 61.38%નો જંગી ઉછાળો નોંધાવ્યો છે અને એક જ મહિનામાં 38,054 યુનિટ્સનું વેચાણ કર્યું છે. આ આંકડા સાબિત કરે છે કે iQube હવે ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં ગેમચેન્જર બની ગયું છે. આ સિવાય TVS Raider અને Ntorq જેવા મોડલ્સે પણ 50% થી વધુની વૃદ્ધિ સાથે બજારમાં મજબૂત પકડ જમાવી છે.
પ્રીમિયમ બાઇક્સ અને સ્કૂટરનો હિસ્સો
પ્રીમિયમ સેગમેન્ટમાં TVS Apache RR 310 એ આશ્ચર્યજનક રીતે 400% થી વધુની વૃદ્ધિ નોંધાવી છે, જે સ્પોર્ટ્સ બાઇક પ્રેમીઓમાં તેની વધતી લોકપ્રિયતા સૂચવે છે. કંપનીના કુલ વેચાણમાં સ્કૂટરનો હિસ્સો સૌથી વધુ એટલે કે 56.43% રહ્યો છે, જ્યારે મોટરસાઇકલનો હિસ્સો 31.23% રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ TVS XL (મોપેડ)ની માગ યથાવત છે. સમગ્ર રીતે જોતા, ઇલેક્ટ્રિક વાહનો અને આધુનિક સ્કૂટર્સના કારણે TVS મોટર્સે 2026ની શરૂઆતમાં જ માર્કેટમાં પોતાની ધાક જમાવી દીધી છે.

