બ્રિટનમાં રાજકીય ભૂકંપ: પોતાની જ પાર્ટીના 70 સાંસદોએ વડાપ્રધાન સ્ટાર્મર સામે ખોલ્યો મોરચો, રાજીનામાની ઉગ્ર માંગ
યુનાઇટેડ કિંગડમ (UK) ના રાજકારણમાં અત્યારે ભારે અફરાતફરીનો માહોલ છે. સત્તાધારી લેબર પાર્ટીની અંદર જ ભડકેલી બગાવતની જ્વાળાએ વડાપ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી જોખમમાં મૂકી દીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પાર્ટીના 70 થી વધુ સાંસદોએ વડાપ્રધાન સ્ટાર્મર પાસે રાજીનામાની માંગ કરી છે. આ હાર બાદ સરકારની અંદર નેતૃત્વનું સંકટ ઘેરાયું છે અને સ્ટાર્મરની પકડ નબળી પડતી દેખાઈ રહી છે.
મંત્રીઓના રાજીનામા અને નેતૃત્વ પર ઉઠતા સવાલ
સોમવારે આ દબાણ ત્યારે વધુ વધી ગયું જ્યારે ચાર મહત્વના મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા. આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હવે ખાનગી રીતે એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કીર સ્ટાર્મર 2029 માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી સુધી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે?
બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, વિદેશ સચિવ યવેટ કૂપર અને ગૃહ મંત્રી શબાના મહમૂદ સહિતના કેબિનેટ મંત્રીઓએ સ્ટાર્મરને વિનંતી કરી છે કે, ચૂંટણીમાં નબળા દેખાવ બાદ તેમણે સત્તાના સરળ હસ્તાંતરણ (Smooth Transfer of Power) વિશે વિચારવું જોઈએ. એટલે કે, તેમણે હવે નવા નેતા માટે રસ્તો સાફ કરી દેવો જોઈએ.
સ્ટાર્મરનો મક્કમ નિર્ધાર: “હું ખોટો સાબિત કરીશ”
ચારે બાજુથી ઘેરાયેલા હોવા છતાં, વડાપ્રધાન કીર સ્ટાર્મરે અત્યારે તો રાજીનામું આપવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. લંડનમાં પાર્ટીના સમર્થકોને સંબોધતા તેમણે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું, “હું જાણું છું કે અત્યારે ઘણા લોકો મારા પર શંકા કરી રહ્યા છે. મારે તેમને ખોટા સાબિત કરવાના છે અને હું તે ચોક્કસપણે કરીને બતાવીશ.” સ્ટાર્મરે ભાર પૂર્વક જણાવ્યું કે તેઓ જનતા અને પાર્ટીનો વિશ્વાસ ફરી જીતવા માટે સંઘર્ષ ચાલુ રાખશે.
ચૂંટણીમાં પરાજય અને ગઢમાં ગાબડાં
આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ ઈંગ્લેન્ડની કાઉન્સિલ ચૂંટણીમાં લેબર પાર્ટીની થયેલી કારમી હાર છે. આ ઉપરાંત સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, વેલ્સમાં 1999 પછી પ્રથમ વખત લેબર પાર્ટીએ સત્તા ગુમાવી છે અને ત્યાં ‘પ્લેડ સિમ્રુ’ (Plaid Cymru) પાર્ટીએ કબજો જમાવ્યો છે. પોતાના જૂના અને મજબૂત ગઢમાં મળેલી આ હારને સાંસદો પચાવી શક્યા નથી અને તેનો સીધો દોષ સ્ટાર્મરના નેતૃત્વ પર મઢવામાં આવી રહ્યો છે.
નિયમોની ગૂંચવણ અને ભવિષ્યની રણનીતિ
લેબર પાર્ટીના નિયમો મુજબ, જો વડાપ્રધાન વિરુદ્ધ નેતૃત્વની સત્તાવાર લડાઈ શરૂ કરવી હોય, તો ઓછામાં ઓછા 81 સાંસદોના સમર્થનની જરૂર પડે છે. અત્યારે 70 સાંસદો વિરોધમાં છે, જેનો અર્થ છે કે સ્ટાર્મર જોખમી રેખાની ખૂબ નજીક છે. જો વધુ 11 સાંસદો વિરોધમાં જોડાય તો સ્ટાર્મરે ફરજિયાતપણે નેતૃત્વની કસોટીમાંથી પસાર થવું પડશે અથવા પદ છોડવું પડશે.
2024 ની ભવ્ય જીત બાદ આટલી જલ્દી પતન કેમ?
જુલાઈ 2024 માં જ્યારે કીર સ્ટાર્મર સત્તામાં આવ્યા ત્યારે તેમણે 14 વર્ષના કન્ઝર્વેટિવ શાસનનો અંત આણ્યો હતો. તે સમયે તેમને એક મજબૂત નેતા તરીકે જોવામાં આવતા હતા. પરંતુ સત્તા સંભાળ્યાના ગણતરીના મહિનાઓમાં જ આર્થિક સ્થિરતાનો અભાવ, વધતી મોંઘવારી (Living Cost) અને અનેક રાજકીય વિવાદોએ તેમની છબી ખરડી છે.
પોતાની ખુરશી બચાવવા માટે હવે સ્ટાર્મરે નવી રણનીતિ અપનાવવાનું વચન આપ્યું છે. તેમણે આર્થિક વિકાસને વેગ આપવા, ઉર્જા ક્ષેત્રમાં સુધારા કરવા અને યુરોપના અન્ય દેશો સાથેના સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર મૂકવાની ખાતરી આપી છે.

