નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષે અત્યાર સુધીમાં 39.14 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડ રૂપિયાથી વધુનું રિફંડ ચૂકવ્યુ છે. રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરની ઓફિસે ટ્વિટમાં આ માહિતી આપી છે. કૂલ ટેક્સ રિફંડમાં વ્યક્તિગત ટેક્સ રિફંડ 34,532 કરોડ રૂપિયા અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92,376 કરોડ રૂપિયા છે.
ટ્વિટમાં જણાવ્યુ છે કે, 39.14 લાખ કરદાતાઓને 1,26,909 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કરાયુ છે. આ દરમિયાન 37,21,584 વ્યક્તિગત કરદાતાઓને 34,532 કરોડ રૂપિયા અને 1,92,409 કેસોમાં 92,376 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યુ છે. આ આંકડા 27 ઓક્ટોબર, 2020 સુધીના છે.
આવકવેરા વિભાગે ઘણા શહેરોમાં હવાલા ટ્રેડર્સ અને બોગસ બિલ બનાવાર ઉપર રેડ પાડીને 62 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
આવકવેરા વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ કાળુ નાણું છે અને તે સંજય જૈનના રૂપમાં ઓળખી કાઢવામાં આવેલા વ્યક્તિ સાથે સંબંધિત વિવિધ સ્થળોથી જપ્ત કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે ગત સોમવારે દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, ઝારખંડ અને ગોવામાં 42 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમની પાસેથી આ રકમ જપ્ત કરાઇ છે. આવકવેરા વિભાગે કહ્યુ કે, આ દરમિયાન હવાલા રેકેટ દ્વારા કથિત રીતે લગભગ 500 કરોડ રૂપિયાના બિનકાયદેસરના ટ્રાન્ઝેક્શન થયાની માહિતી મળી છે.
તેમણે કહ્યુ કે, જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, ત્યાં લાકડાની તિજોરી અને ફર્નિચરોમાં 2000 રૂપિયા અને 500 રૂપિયાની નોટો છુપાવીને રાખી હતી. તેની પહેલા સીબીડીટીએ મંગળવારે જારી કરેલ નિવેદનમાં કહ્યુ હતુ કે, 2.37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડ રૂપિયાના દાગીના સાથે જ 17 બેન્ક લોકરોની માહિતી મળી હતી, તેની તપાસ હજી બાકી છે.