નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ ચાલી રહેલા નાદારીના કેસમાં આજે નવો વળાંક આવ્યો છે.
દિલ્હી હાઇકોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીની એક અપીલ પર કેન્દ્ર સરકાર અને ભારતીય સ્ટેટ બેન્ક પાસેથી આજે પ્રત્યુતર માંગવામાં આવ્યો જેમાં તેમણે તેમની બે કંપનીઓ વિરુદ્ધ 1200 કરોડ રૂપિયાની લોનની વસૂલાત માટે ચાલી રહેલા નાદારીના કેસમાં ચીનની લેણદાર બેન્કોને શામેલ કરવાની વિનંતી કરી છે.
આ ચાઇનીઝ બેન્કોએ લંડનની એક અદાલતથી અંબાણી વિરુદ્ધ 71.7 કરોડ ડોલરની વસૂલાતનો આદેશ મેળવ્યો છે. તેની સાથે જ અદાલતે અંબાણીની સંપત્તિઓ વેચીને વસૂલી કરવા પર મુકેલી રોક હાલપુરતી ચાલુ રાખી છે.
અંબાણીને આ રાહત નાદારી કાયદાની કલમ 96 હેઠળ આપવામાં આવી છે. અદાલત તરફથી આ નિર્દેશ અંબાણીની સંપત્તિ વેચવાને લઇને એસબીઆઇનું સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે. ન્યાયધીશ વિપિન સાંધી અને રજનીશ ભટનાગરની ખંડપીઠે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (આઇબીબીઆઇ)ને પણ અંબાણીની અપીલ મામલે નોટિસ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, દિલ્હી હાઇકોર્ટે આ મામલે ચીનની એ ત્રણ બેન્કોને નોટિસ ફટકારી છે, જેમણે અનિલ અંબાણીને લોન આપી હતી અને પરત વસૂલાત માટે તેની ઉપર કેસ કર્યો છે. કોર્ટના આ પગલાંથી ચીનની બેન્કો સામે મોટી મુશ્કેલી ઊભી થઇ શકે છે.
નોંધનિય છે કે, ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના અને ચાઇના ડેવલપમેન્ટ બેન્કે લંડનની કોર્ટમાં કેસ જીત્યો છે. આ બેન્કોના વકીલે કોર્ટમાં જણાવ્યુ હતુ કે, અનિલ અંબાણી ધિરાણકર્તા બેન્કોની એક રૂપિયાની પણ ચૂકવણી ન કરવી પડે તે માટે સંભવ તમામ પ્રયત્ન કરી રહ્યા છે.