કોચીઃ અત્યાર સુધી દેશમાં અનાજ-કઠોળ જેવા કૃષિ પાકોના જ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) નક્કી કરવામાં આવતા હતા. જો કે કેરળ રાજ્યે આ દિશામાં એક ડગલુ આગળ વધીને ખેડૂતોના હિત માટે સમગ્ર દેશમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. કેરળે ફળ અને શાકભાજી માટે પણ લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે અને આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે.
કેરળ સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરેપુરૂ વળતર મળે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કુલ ૨૧ જેટલી ચીજવસ્તુઓની એમએસપી નક્કી કરવામાં આવી છે. જેમાં વિવિધ અનાજ તેમજ ફળો અને શાકભાજીનો પણ સમાવેશ કરાયો છે. જે તે જણસનો પાક લેવા પાછળ ખેડૂતોને જે ખર્ચ થાય છે તેના કરતા એમએસપી ૨૦ ટકા ઉંચી રાખવામાં આવી છે. જેનો અમલ આગામી તા. ૧ નવેમ્બરથી થશે. આ યોજના માટે ચાલુ વર્ષ માટે સરકારે રૂ. ૩૫ કરોડની ફાળવણી કરી છે.
પ્રાપ્તે માહિતી મુજબ કેરળ સરકાર દ્વારા કેળા માટે રૂ. ૩૦, પાઈનેપલ માટે કિલો દીઠ રૂ. ૧૫, ટેપીકો માટે રૂ. ૧૨ અને ટામેટા માટે કિલો દીઠ રૂ. ૮ની એમએસપી નક્કી કરાઈ છે. આ યોજનાનો સરળતાથી અમલ થાય તે હેતુસર સરકાર દ્વારા રાજ્યમાં ૧૦૦૦ સ્ટોર પણ ખુલ્લા મુકાશે. કેરળ સરકારની આ યોજનાથી આકર્ષાઈને કર્ણાટક સરકાર દ્વારા પણ આ યોજના અમલમાં મુકવા વિચારણા થઇ રહી છે. જાણકારોના મત મુજબ આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ ખેડૂતો દ્વારા આવી યોજના શરૂ કરવા માંગણી કરાય તેવી સંભાવના છે.