ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રામભરોસે કામ કરી રહ્યાં છે, તેમને પાર્ટી કે વિપક્ષની ઓફિસ તરફથી ચોક્કસ ગાઇડન્સ મળતું નહીં હોવાથી તેઓ ભાજપની સરકારમાં ધીમે ધીમે કામો કરાવી રહ્યાં છે. સચિવાલયમાં ભાજપના ધારાસભ્યો કરતાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી વધારે જોવા મળી રહી છે.
સચિવાલયમાં કામે આવેલા એક સિનિયર ધારાસભ્યએ કહ્યું હતું કે વિપક્ષ જ્યારે સંકટમાં આવે છે અથવા તો પાર્ટીને જ્યારે અમારી જરૂર હોય છે ત્યારે બોલાવે છે પરંતુ બે કે ત્રણ મહિને ધારાસભ્યો સાથે બેઠક કરીને સંવાદ કરવામાં આવે તો કોંગ્રેસ છોડીને કોઇ ધારાસભ્ય ભાજપમાં જાય નહીં. અમારી પાર્ટીમાં સંકલનનો મોટો અભાવ છે. ધારાસભ્યોની અવગણનાના કારણે 77માંથી 65 થયાં છે.
ગુજરાતમાં આજે સ્થિતિ એ છે કે વિપક્ષ કોંગ્રેસનું વિધાનસભામાં કંઇ ચાલતું નથી. સત્તાધારી પાર્ટી વિપક્ષને સભાગૃહમાં હડધૂત કરે છે છતાં કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂપ બેઠાં છે, કેમ કે તેમને તેમના ધારાસભ્યો શું કરે છે તેની ખબર નથી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી પરંતુ પ્રદેશ કોંગ્રેસના નબળા નેતાઓના કારણે કોંગ્રેસે 12 ધારાસભ્યો ગુમાવ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો હતા તેમને ભાજપે તેની પાર્ટીમાં ભેળવી દીધા છે અને કોંગ્રેસને એક પછી એક ફટકા આપ્યા છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાના ખ્વાબ ભાજપ આ રીતે પૂરા કરી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં વિજેતા થયેલા કોંગ્રેસના સભ્યો એક પછી એક ભાજપમાં જઇને કોંગ્રેસની ઘોર ખોદી રહ્યાં છે છતાં કોંગ્રેસને તેમની સત્તા બચાવવાની પડી નથી.
આ ધારાસભ્યએ કહ્યું હતુંક 2017માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની નજીક હતી પરંતુ સત્તાવાર ઉમેદવારને હરાવવાના પેતરાના કારણે પાર્ટીના 25 એવા ઉમેદવારો ચૂંટણી હાર્યા છે કે જેઓ જીત્યા હોત તો આજે ગુજરાતમાં ભાજપની નહીં કોંગ્રેસની સરકાર બની હોત. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ જ કોંગ્રેસને હરાવી છે. પાર્ટીના યુવા નેતાઓને સાથ આપવાની જગ્યાએ પાર્ટીના સિનિયર નેતાઓએ નિષ્ક્રિય રહીને પાર્ટીને મોટું નુકશાન કર્યું છે.
દુખ સાથે આ સિનિયર ધારાસભ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના હાઇકમાન્ડની વારંવારની ચેતવણી છતાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી. ગુજરાત કોંગ્રેસના 65 પૈકી 35 ધારાસભ્યો એવા છે કે જેમને પાર્ટીના પ્રદેશ આગેવાનો આદરભાવથી બોલાવી પણ શકતા નથી. વિધાનસભાનું સત્ર હોય ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને ધારાસભ્યો યાદ આવે છે, પરંતુ ચાલુ દિવસોમાં ધારાસભ્યો સાથે લંચ કે ડિનર લીધું હોય તેવું છેલ્લા ઘણાં વર્ષોથી ધારાસભ્યોને યાદ નથી. પાર્ટીનું પ્રદેશ એકમ ધારાસભ્યોને નહીં સાચવે તો 2022માં એવો સમય આવશે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના જોરે ભાજપ સત્તા હાંસલ કરશે.

Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.